ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/બનારસ


બનારસ
જગદીપ સ્માર્ત

લાંબા, સીધા, લંબચોરસ
ગંગાઘાટના પીળા પથ્થરના વળાંકો
સાથળ જેવા લીસ્સા ને ઠંડા બની
હજારો પગલાંઓને ભરખી ગયા છે.
અંધારી ભેજલ લાંબી સાંકડી ગલીઓના ઠંડા ભૂખરા રંગ પર
તરે છે દેવસ્થાનોના નિરમાળની રાત્રિગંધ અને સિંદૂર,
જિજીવિષા સાથે ભટકતાં ભગવાં વસ્ત્રોને હવે
મુમુક્ષુભવનના થાંભલાની કાથાની દોરી પર ફાવી ગયું છે.
આખલાઓની કાળી ઊંચી પહોળી માંસલ ખૂંધ
સાંકડા વળાંકે, ઊભાં ઊભાં લે છે
બપોરની ઊંઘ.
સંધ્યા કરી
નદીપારથી આવેલો રામનગરી પવન
ગેરૂ રંગના શિખરોને સોનેરી બાથ ભીડે છે.
આંખમાં સુરમો આંજી, ભાંગ ગટગટાવી
લાલ રંગના ચોકડીવાળા ગમછા
ડાલમંડીની ઠુમરીના બહેલાવમાં ફરફરે.
શેરીના છેવાડે પડતી બારીઓના સળિયામાંથી
તબલાંની થાપ અને પીલુના આલાપ સાથે ધસી આવે
રાત્રિનો પ્રથમપ્રહર.
પૂર્વજોને અજવાળું મોકલવા પ્રગટાવેલો દીવો
ગંગાનો અર્ધ ચંદ્રાકાર વળાંક વટાવી
તરતો તરતો પેલે પાર પહોંચી ગયો.
કાશીએ પહોંચતાં પહોંચતાં થાય બાર વરસ.
કરવત ફેરવવા આવેલો કસાઈ
કબીર બની ભાગી ગયો.
નદીમાંથી બહાર આવેલા હાથ
ફરી એક વાર અર્ઘ્ય માટે ડૂબી ગયા