ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/બાપુજી


બાપુજી
ઇલિયાસ શેખ

સીધી લીટીનું એકધારું
સમતોલ જીવીને,
બાપુજી હવે વૃદ્ધ થયા છે.

આરામ ખુરશીમાં બેઠા-બેઠા જ
એ પગ લંબાવી શકે અતળ પાતાળમાં,
‘ને હાથ ફેલાવી શકે અનંત આકાશમાં,
એટલાં સમૃદ્ધ થયા છે.

હમણાં જ કપાવેલા
રેશમી - સફેદ વાળ,
ચમકી ઉઠ્યા છે સવારનાં તડકામાં.

કાળજીપૂર્વક
માવજત પામેલ બાલ-દાઢીમાં,
બાપુજીનો ચહેરો ખીલી ઉઠે છે,
તાજી મહેંદીના રંગ સમો.

રાતી - તપખીરી
ઇસ્લામી દાઢીને પસવારતાં બાપુજી,
હવે મથતા નથી,
ગીતા-કુરાન પરનાં ભાષ્યોને ઉકેલવા.

આઠ-આઠ દાયકાઓથી પ્રત્યેક શ્વાસે,
લીધા - છોડ્યા કરી છે,
લોબાન - ગુગળની જુગલગંધને.

ફેફસાં
છલોછલ ભરીને,
હોજરી
ખાલીખમ્મ કરીને,
બાપુજી પ્રબુદ્ધ થયા છે.

બાપુજીની ઘેરી
લીલી ઝાંયવાળી આંખ,
તાક્યા કરે છે ટગર-ટગર
અમારાં અજાણ્યા ચહેરાઓ.

ગંગાજળથી વજૂ કરીને,
બાપુજી પરિશુદ્ધ થયા છે.

બાંગ : મુલ્લાની હો કે કૂકડાની,
નાદ : ઝાલરનો હો કે નોબતનો,
બાપુજીને કોઈ ફરક પડતો નથી.

એમની ચેતનાનો ચેતસ
ઓળંગી ગયો છે હવે,
મંદિરની ધજાઓ, મસ્જીદનાં મિનારાઓ.

વિસ્મરણ.

યોગ છે કે રોગ?
શાપ છે કે વરદાન?
એ જે હોય તે.

વિના ગૃહત્યાગ કે પરાક્રમ,
વિના ભ્રમણ કે અતિક્રમણ,
સહજ આદરે
મહાભિનિષ્ક્રમણ.

એક ઇંચ પણ ખસ્યા વગર,
બાપુજી બુદ્ધ થયા છે.

સીધી લીટીનું એકધારું
સમતોલ જીવીને,
બાપુજી હવે વૃદ્ધ થયા છે.