ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ભૂરા પટ્ટાવાળું મારું ઘર
ભૂરા પટ્ટાવાળું મારું ઘર
ઇન્દુ જોશી
આકાશના વાદળી રંગથી
સહેજ આછા રંગવાળું
અને તેમાં બહુ ગાઢ નહિ
એવા ભૂરા રંગના પટ્ટાવાળું ઘર
મારું છે.
દૂર દૂર સુધી અમારી સોસાયટીમાં
કોઈનાય ઘરનો એવો રંગ નથી.
એકવાર
કોઈક કામવાળી જેવી લાગતી સ્ત્રીનો
મૉબાઇલ રણક્યો
મારા ઘર પાસેથી પસાર થતા –
તો તે કહે ફોન પર
કે પેલા ભૂરા પટ્ટાવાળું ઘર છે ને
તેની સામે ઊભી છું.
અમારા એમણે સાંભળ્યું
તો એયને હસું હસું થતા
આવ્યા અંદર
ને મને કહે કે
લોકો આપણા ઘરની
ઓળખાણ આપે છે,
તો મારુંય મોઢું
હસું હસું.
ને અગાસી પર બેસું
લગભગ પાંચેક વાગે સાંજે
ને કવિતા લખતી હોઉં
તો બીજે માળે આવેલી અગાસી પર
હોલાં ડોક હલાવતાં
પાળી પર ઠેકતા હોય ને
આજુબાજુથીયે
બીજા એક-બે જાતના પક્ષીઓના અવાજ
આવતા હોય ત્યારે
મને લાગે છે કે
હું થોડીક તો ઊંચાઈ પર છું જ.