ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/યાદ


યાદ
મનોહર ત્રિવેદી

હંમેશ સવારે
ઝાકળની ઝરમર વરસે
ને તડકાઓ ઊગ્યા કરે છે
ફળિયું હિલોળે ચડે છે
નીડમાંથી નીકળી પક્ષીઓ
પોતાની ચાંચમાં
લીમડાની મંજરીઓ લઈ ઊડે ઊડે
ને કલરવ થઈ
વેરાઈ જાય મારી આસપાસ
મને ગમતીલી તરજમાં
દિવસને ગણગણતો નીકળી પડું છું બહાર
પાછાં વળતાં
ખિડકીમાં પ્રવેશ કરીને જોઉં છું તો
તડકાઓને—
એની પાંદડીઓની આરપાર ટીકી ટીકીને
ન જોઈ શકાય તેવાં ખીચોખીચ
—ભૂખરી સાંજનાં ફૂલ બેઠાં હોય છે
અને
હું એની ગળચટ્ટી ગંધથી અસ્વસ્થ બની
મારા ઘરમાં જ
—કોઈ આઘે આઘેના ગામ જવાને—
અંધારામાં ભટક્યા કરું છું.