ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/લાત કાવ્ય


લાત કાવ્ય
મનહર મોદી

લાત મારીને એણે મને કહ્યું :
તું પથ્થર છે.
પથ્થર તો ઉંધા “ઈ” જેવા હોય છે...
અને ઉધાઈનો તો કોણ સંગ્રહ કરે?
લાત મારીને એણે મને કહ્યું :
તું દીવાલ છે.
દીવાલ તો સપાટ હોય છે.
સપાટ દીવાલનું માથું
ગોળ તો હોઈ જ ના શકે.
લાત મારીને એણે મને કહ્યું :
તું ગધેડો છે.
ગધેડો એટલો ઘોડો.
અને ઘોડાની ખરીઓ તો
એની આંખો હોય છે.
લાત મારીને એણે મને કહ્યું :
કાલે રાત્રે મારી એક આંખમાં
મીણબત્તી સળગતી હતી;
અને બીજી આંખ તો મને છે જ નહીં..


લાત તો લાત જ હોય છે.
સમયની દીવાલ પર
માથું ટેકવ્યા પછી મને એકદમ
આંચકો આવ્યો હતો એનું સ્મરણ થયું.
અને મને ખબર પડી કે
કબૂતરની આંખમાં ઘૂવડનો
માળો ઊગ્યો છે. કોયલના
કાળા ગળામાંથી બે રાતાં
પાંદડાંવાળું વૃક્ષ પડી ગયું છે.

સ્મશાનભૂમિમાં જાણીબૂઝીને
દટાઈ ગયેલા જીવતા
માણસોના શ્વાસોશ્વાસના
સોગંદ ખાઈને કહું છું કે વેરણ
છેરણ પડી રહેલા રેતીના
એક એક ટુકડાને ભેગો કરો;
અને ક્યારેય ન દેખાતી
પણ ડગલે ને પગલે
અનુભવમાં આવતી ખોપરીઓને
ઊંધી પાડો તો
તેમાંથી
રમતમાં ને રમતમાં ચોરાઈ ગયેલી
વાદળની ચાંચ મળશે :
અને ઈશ્વરની ફૂટી ગયેલી આંખ પણ—