ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/લોઢી રાતીચોળ છે


લોઢી રાતીચોળ છે
કાનજી પટેલ

ખાણ કારખાનાં ડામર સડક રોલર
પડખે ચરીમાં કાળાં દોરડાં ભીડવે
ગળી જાય
બાણું લાખ માળવાના ધણીને
પેટમાં ખટાશ ઊલળે છે
પડખેનો યાત્રી
ત્રાંસી નજરે
લંગોટી પાઘડી એંઠી મૂછ
ટૂંટિયું બાઈ વખરીનાં પોટલાં
કરોળતાં બાળને તાકી
ઊભાં ને ઊભાં ધીકાવે છે

બિરસા,૧
જગ દોડ્યો છું
પીંડીઓ તતડે છે
તારો દશમન ગોરો
મારી સામે કાળોગોરો
આ ઘંટુડી ફરતી નથી
કૂકડિયાં ગાણાં ગાઉં છું.
હરો૨ પીઉં છું
ભંગોરિયા૩ મેળે મ્હાલું છું
મોશેટી૪ ના બુંધે જાળાં બાઝ્યાં છે
કથરોટ ખાલી છે
લોઢી રાતીચોળ છે

૧. બિરસા મુંડા – આદિવાસી મહાનાયક ૨. દારૂ ૩. આદિવાસી મેળો, જ્યાંથી યુવકયુવતી પરણવા માટે ભાગી જાય ૪. અનાજની કોઠી