ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સાંજ


સાંજ
હસમુખ પાઠક

નમેલી સાંજનો તડકો,
અહીં ચડતો, પણે પડતો,
ક્ષિતિજના ઉંબરામાં સૂર્ય ખાતો ઠેશ
અડવડતો.

અહીં પાકી ગઈ સડકો ઉપરનાં ઘર
બધાં ફિક્કાં અને જુઠ્ઠાં;
પણે સૌ મૌનમાં ડૂબી ગયાં ખેતર,
બિચારાં સ્તબ્ધ છે ઠૂંઠાં!

પવન તો જંગલી, ગાંડો, વળી
સૌની તરફ કરતો અટકચાળું
ગયો છે જાત પર –
તે ઘૂમતો ફરતો અહીં ફટપાથ પર,
મોંથી વગાડી ડાકલું!
અશ્વત્થ (જાણે તેજહીણો દ્રોણસુત!)
ખખડી ગયો આ બંગલાની પાસ,
એનું થડ ભરે છે શ્વાસ,
એનું ઓસર્યું છે ઋત;
અને આ ચંદ્રમા (ક્ષયમાં રિબાતો કો કવિ),
જેની છવિ,
ઉચ્છિષ્ટ પીળું તેજ પાથરતી અહીં પૃથ્વી પરે
અંધારમાં તરતી સરે.