ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સ્વ. હુંશીલાલની યાદમાં


સ્વ. હુંશીલાલની યાદમાં
રાવજી પટેલ

ગગન ગુફા ફાટી પડે ને તારા લબ લબ થાય,
નીસર્યો તારો આત્યમો અહીંથી હુંશીલાલ.
ઝાંખાં ઘર પાદર થયાં ઝાંખી માનવજાત;
સૂરજ રોડું થઈ ગયો મરતાં હુંશીલાલ.
પીપળ ડાળ ખરી પડી ખરી મરદની મૂંછ;
રંડાપો મરદોને મળ્યો મરતાં હુંશીલાલ.
જીવતાં મુજથી ના થયું જે થયું છાનું થયું,
તે રચું મરશિયા આજ મરતાં હુંશીલાલ.

ઊંઘણશીની આંખોમાં હે પૂજ્ય
તમારી સલાહ-શિખામણ કમલ સરીખી કોળે!
જીવતે જીવ તમે બહુ ખટક્યા
ખટક્યા ચંપલની ઊપસેલી ખીલી જેવા,

શરીરની કોઈ ખોડ સમણા ખટક્યા.
એક ઘરના આદમી નહોતા તમે....
હે ૐ, સકલ સંડાસની ભીંતો ઉપર
પણ આપના ચહેરા ચગે
હે મુરબ્બી,

આપનો ચહેરો
પ્રભુના નામ જેવો યાદ કરવાનો અમારે,
કોપરાની શેષ જેવો ચાવવા લાયક
હજી અંધારમાં ચમક્યા કરે છે
આગિયા જેવો.
શ્રીવિલય તમારો થયો અહોહો!
અંદણની ચંદણની ચ્હેયો પ્રગટી.
બાપા હજી બળે છે.
આંખોની પછવાડે રડતાં
ગામ નદીને નાળાં.
અલ્લા બિલ્લો બની ગયો.
ને પરવત ઊંધો પડિયો
બાપા હીંગ ભળેલી દાળ તણો તું દડિયો
જબલપુરની ખડબચડી શેતરંજી જેવી પંગત
હાવાં પથરાતી (ખોટ તમારી નથી સાલતી કોને?)
કુશકી જેવા ચ્હેરા રઝળે
નગર છાજીયાં લેતાં
શ્રીવિલય તમારો માન્યામાં ના આવે
સચરાચર હે હજી તમારા થૂંક તણી ભીનાશ હવામાં,
તમારા થૂંકની ગંગા વહે છે કાનમાં બાપા.
તમારા થૂંકની જે જે થતી’તી ગામમાં બાપા.
તમારા થૂંકથી લાખો કરોડો રૂપિયા ભેગા થતા’તા.
તમારા થૂંકમાંથી બંગલા બેઠા બેઠા થતા’તા.
તમારા થૂંકથી અળગાં થએલાં બે જણાં ચોંટી જતાં’તાં.
તમારું થૂંક ઔષધ લોકનું
તમારું થૂંક અમરત મર્ત્યનું.
તમારો થૂંકનો બાજોઠ મારા દેવ
તમારા થૂંકનું આચમન લેવા કાજ દેવો જન્મ લેતા રોજ.

હવે પછી જે મરશે એના
કાનમાં વ્હાલા ફૂંક મારીશું
તમાર નામની ફૂંક મારીશું.

ગાંમનું કૂતર્યું. મરશે અને
તમાર નાંમની ફૂંક મારીશું.
બોડી બાંમણી મરશે એને
તમાર નાંમની ફૂંક મારીશું
હવાર ગાશું હાંજરે ગાશું
તમાર નાંમનું ભજન ગાશું
મરતી વખતે હરગે જાશું
તમાર નાંમની રટણા પીશું.

હાય હુંશીલાલ હાય હાય
હાય રૂપાળા હાય હાય
સાતખોટના હાય હાય
આંખની કીકી હાય હાય
ભીડનું મોતી હાય હાય
સાકરથેલો હાય હાય
કન્યાઘેલો હાય હાય

હાય હુંશીલાલ વટનો કટકો
હાય હુંશીલાલ નરદમ કડકો
હાય હુંશીલાલ ગામનો પાડો
હાય હુંશીલાલ આંખ ઉઘાડો
હાય હુંશીલાલ અમને વરતો
હાય હુંશીલાલ હમ્બો હમ્બો

હાય રે હુંશીલાલ તમારા વિના
ચૂનો પાન તમાકું સૂનાં રે સૂનાં
હાય રે વરણાગિયા તમારા વિના
સૌનાં નામ બિચારાં સૂનાં રે સૂનાં.
હાય રે વરણાગિયા ડગલો તમારો
કિયો ભઈ તે પ્હેરી ફરશે બધે?

હાય રે વરણાગિયા સમાધિ તમારીને
હીરા જડે તોય ઓછા પડે!
હાય રે વરણાગિયા તમારા વિના
પોચાં પોચાં આસનિયાં સૂના રે સૂનાં.

હાય હાય રાજવી
નર્યો ફજેતો રાજવી
એકલપેટો રાજવી
જિલ્લા જેવો રાજવી
કિલ્લા જેવો રાજવી

તમારું નામ મંતર થઈ રટાતું રાજવી
તમારા નામથી હીઝડા કમાતા થઈ ગયા.
તમારા નામની હૂંડીઓ ફરે પરદેશમાં
તમારા નામની વ્હેલો ટપાલી ફેરવે
તમારા નામથી ખપ્પર ભરાતાં
હે પ્રભુ,
તમારા નામથી ફફડે ધજાઓ.
તમારા નામને ઓઢીને કન્યા જાય બીજે....
તમારું નામ ચાવે આશ્રમો
તમારો મૃત્યુદિવસ દેશમાં ઊજવાય છે
તમારી યાદમાં જૂનું જૂતું પૂજાય છે.
તમારા પાઠ ગોખે છે હજી વિદ્યાર્થીઓ
તમે નિર્મુખ બ્રહ્મા.
શ્રી વિષ્ણુની ડૂંટી તમે
પાપ કોરાણે મૂકીને
પુણ્યનું દર્શન કરાવ્યું હંસ તેં તો!
ચંપલ તણી ખીલી ઘડીભર ઊપસી’તી
એમ માનીને અમે આંસુ તમારા નામ પર સાર્યાં.
ગોલોકવાસી,
આપને ગાયો પઝવતી હોય તો
વૈકુંઠમાં હાલ્યા જજો.
અહીં તમારા થૂંકનાં ગોથાં
હજી વાગ્યા કરે છે,
અમને તમારા થૂંકનાં ગોથાં
હજી વાગ્યા કરે છે.