ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/હરણનો શિકાર


હરણનો શિકાર
દિલીપ ઝવેરી

સિંહ— બદામી ટેકરીઓ
ઝરણા-શા વ્હેતા આભકિનારે થંભી
આવ્યો
હવામહીં તરવરતો તડકો
ઠેકઠેકમાં ચરકે લીલાં પાન.

ઝીણા તાણે કરોળિયો શી પીતો સૂરજહૂંફ!
નીકળે હળવે પગલે બ્હાર કાચિંડો લીલો.
અને ઘાસ પે ઝાકળ ઝબક્યું
ધુમ્મસના પંજાની વધતી ભીંસ.
તાર પે બેઠાં કબૂતર ઊડ્યાં,
પૂંઠળ દોડ્યા મોટા પડછાયા
તે ફેલાયા નળિયાં પર
જેની હેઠે દબાયાં મકાન.

ભીંતે કપાયલી બારીથી દદડ્યા અવાજ
કટકા થયા અર્થના શબ્દે શબ્દે
શબ્દમહીંથી
આંખ ચામડી જીભ નાક ને કાન બન્યાં
આ હવામહીં ઓગળતાં જાતાં રૂપ એમનાં.

અને ફરી ઝરણા શું વ્હેતું આભ —
કિનારે તડકો પીને
સિંહ — બદામી ટેકરીઓ.