ગુજરાતી કવિતાનો આસ્વાદ/ઘાસ અને હું


ઘાસ અને હું

સુરેશ જોષી

જ્યાં સુધી પહોંચે નજર
ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે,
ને પછી આકાશ કેરી
નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.
પૃથ્વીના આનંદનાં સ્પંદન સમાં
તરણાં હલે છે વારવાર;
ના ખબર કે શા સંબંધે
સર્વ સંગે એહ, મારો પ્યાર છે.

એ હલે છે આવતાં ધીમો પવન,
થાય છે એવું જ મારા ચિત્ત માંહીયે ચલન.

જોઉં છું વહેલી સવારે એમને,
ને ખુશીથી મહેક મહેકે છે મને.
ઝાકળેથી એ બધાંયે શોભતાં,
જોઈ આંસુ હર્ષ કેરાં આંખમાં આવી જતાં!

થાય છે મારી નજર જાણે હરણ,
ને રહે છે ઠેકતી એ ઘાસમાં;
ના છળે છે એક પળ એના ચરણ.
સ્પર્શતો એને નહીં
ને નજાકત તોય એની
અનુભવું છું મન મહીં!
ને બપોરે હેમ શા તડકા તણું
ને હરિત એવા ઘાસનું થાયે મિલન:
આભનું, ધરતી તણું એ બેઉ માંહી
લાગતું કે, મન મળ્યું;
જોઈને એ, ક્યાંકથી મુજ દિલ મહીં
આનંદ કેરું મધ ગળ્યું!

સાંજવેળા તેજ, છાયા, ઘાસ, સૌ
સાથે મળીને ખેલતાં:
સાદ પાડી ચિત્તને મારા ય, સંગે લઈ જતાં!
એમના એ ખેલને જોઈ રહું
ને હર્ષપુલકિત થઈ જઉં.
પુલકને એ જોઈને લાગે મને
કે ઘાસ જુદે રંગ મારે અંગ
નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું!

કેવી અહો આ મન તણી છે સાધના
(વા નેહની એને કહું આરાધના?)
કે જોઉં જેને બા’ર
તેને અંગમાં ને અંતરે હું અનુભવું!
રે સ્વપ્નમાંયે ઘાસનું એ ચહુદિશે,
સુખદ એવું જોઉં છું હું ફરકવું.
– પ્રહ્લાદ પારેખ (બારીબહાર)


આપણે એક વિદગ્ધ કવિની ‘તણખલું’ નામની કવિતાનો આસ્વાદ કરવાના છીએ. એ પહેલાં એક મુગ્ધ કવિની એ જ વિષયની કવિતા જોઈએ. કોઈ પશ્ચિમના વિવેચકે અર્વાચીન કવિતાની વિલક્ષણતા બતાવતાં, એમાં કવિના ચિત્તમાંના inscape અને બાહ્ય જગતના outscape આ બેના વિશિષ્ટ સંયોગ તરફ ધ્યાન ખેંચ્યું હતું. આ દૃષ્ટિએ જોતાં, આપણા આ બે કવિઓની આ વિષયની કૃતિઓ જુદી જુદી બે ધારાઓના નિદર્શનરૂપ લાગશે. મુગ્ધતાને સ્થાને હવે વિદગ્ધતા કાવ્યરચનામાં પ્રવર્તક બળ બનતી દેખાય છે. નરી મુગ્ધતા જાણે કે આજની દુનિયામાં શક્ય નથી. મુગ્ધતાને એક પ્રકારની immediacyની અપેક્ષા રહે છે. પણ આજે તો કવિ અને જગતની વચ્ચે ઘણી સંકુલતા પડેલી છે. સંકુલતાનું આ વ્યવધાન જ વિદગ્ધ કવિના કાવ્યનું ઉપાદાન બની રહે છે. આવા વાતાવરણમાં જે મુગ્ધ બનીને ગાવા જાય, તે જરા જુદો પડી જાય. કેટલાક નવીનો એનામાં પ્રાચીન સંસ્કાર જુએ.

કાવ્યમાત્રમાં વિસ્મયનો અંશ તો રહેવાનો જ. જે અચરજ ન પામે તે કવિતા ન લખે. આથી જ અદ્ભુતને બધા રસનો સહચારી ને સહકારી ગણ્યો હશે. પણ અદ્ભુતનાં આલમ્બનઉદ્દીપનો બદલાય. આ અચરજ સાથે કેટલીક વાર ઊંડું સુખ ભળ્યું હોય તો કેટલીક વાર ઊંડું દુ:ખ પણ રહ્યું હોય. આપણને ‘સખેદ આશ્ચર્ય’ પણ થાય.

આસ્ફાલ્ટના રસ્તા પર ડોકિયું કરતું તણખલું એક પ્રકારનું અચરજ ઉપજાવે છે, તો ક્ષિતિજ સુધી લહેરાતું ઘાસ બીજા જ પ્રકારનું અચરજ ઉપજાવે છે. આમ જુઓ તો તૃણ જેવું તુચ્છ કશું નહીં. માટે જ તો તુચ્છતાને મૂર્ત કરવા આપણે ‘તૃણવત્’ એવો પ્રયોગ કરીએ છીએ. છતાં લઘુતા સાથે વિભુતા એ પણ તૃણનો એક ગુણ છે. જો તમે તેને વિસ્તરતાં રોકો નહીં તો તૃણ બધે વ્યાપી જાય. આપણા કવિને આનું અચરજ છે. આથી કાવ્યના પ્રારમ્ભમાં કવિ દૃષ્ટિસીમા સુધી વ્યાપેલા ઘાસના વિસ્તારને વર્ણવે છે ને પછી કહે છે:

ને પછી આકાશ કેરી
નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.

અહીં કવિ એક ચિત્ર જડી આપે છે. હરિયાળું ઘાસ એના હરિત વર્ણને ક્ષિતિજની નીલરંગી ધાર પડખે મૂકીને કવિ બતાવે છે. હરિત અને નીલ વચ્ચે વિરોધાત્મક સમ્બન્ધ નથી. એક રંગ બીજામાં છલકાઈ જઈ શકે એવો સમ્બન્ધ છે. આથી દૂર દૂર સુધી પ્રસરીને ઘેરો થતો જતો હરિત વર્ણ જ ક્ષિતિજમાં નીલ રંગે દેખાય છે એવો આભાસ ઊપજે. તેમ છતાં, એ આભાસ જ છે એમ બતાવવા કવિએ ‘ધાર’ શબ્દ વાપર્યો છે. આ ધારમાં વ્યાવર્તકતાનો ગુણ છે. પણ એની વ્યાવર્તકતા અભિન્નતાના આભાસને ભૂંસી નાંખે એ પ્રકારની નથી. આમ નીલરંગી કિનારમાં મઢાયેલા હરિત વર્ણની છબિ આપણે જોઈ.

અહીં સુધી તો outscapeની વાત થઈ. હવે કવિ inscapeની વાત શરૂ કરે છે. પોતાના અન્તરની વાત કરતાં પહેલાં પૃથ્વીના અન્તરની વાત એઓ કરે છે. વ્યાપ્તિ એ તૃણનો એક સ્વભાવ છે તો આછી શી પવનની લહરથી પણ સંચરિત થવું, હાલવું એ એનો બીજો સ્વભાવ છે. જે પવન દેખાયા વિના, એના સ્પર્શને પણ કળાવા દીધા વિના છાનોમાનો સરી જાય તેનાં પગલાં તૃણના વિસ્તાર પર તરત પકડાઈ જાય. પવન અને તૃણનો યોગ એ માણવા જેવો યોગ છે. રવીન્દ્રનાથ કહે છે કે પવનની આંગળી તૃણની સિતાર પર સારીગમ છેડી જાય છે. આપણા કવિ તૃણની એ સંચરણશીલતાનો અહીં ઉલ્લેખ કરે છે ને એને પૃથ્વીને અંગે થયેલા આનન્દના રોમાંચ જોડે સરખાવે છે. અહીં પણ રવીન્દ્રનાથનો પડઘો સંભળાશે. ધરતીનો આ મૂર્ત આનન્દ કવિના ચિત્તમાં અકળ રીતે પ્રેમની લાગણી જગાડે છે. આ પ્રેમના કારણની ખબર નથી એમ કવિ ભલે કહેતા. આપણને તો એની પછીની બે પંક્તિમાં એનું કારણ તરત સમજાઈ જાય છે:

એ હલે છે આવતાં ધીમો પવન
થાય છે એવું જ મારા ચિત્તમાંહી યે ચલન.

આ સમાન ‘ચલન’, ચિત્તનો ને પવનનો એક જ લય, એ જ પ્રેમનું કારણ છે.

લયસંવાદમાંથી સિદ્ધ થયેલો આ પ્રેમ તદ્રૂપતાની સ્થિતિને પામ્યા વિના જંપે નહીં. પ્રેમમાં જે ભોગવવા જેવું છે તે તદ્રૂપતા. આથી હવે કવિ પોતે એ તદ્રૂપતાને કેવી રીતે માણે છે તે આપણને કહે છે. રોમાંચ એ સ્પર્શનો વિષય થયો. વર્ષામાં આકાશ અને પૃથ્વીનો ગાઢ આશ્લેષ રચાય ને પુલકિત ધરાના અંગ પર રોમાંચની જેમ તૃણાંકુર પ્રકટે ને એની સાથે જ પૃથ્વીના હૃદયની મહેક પણ પ્રકટે. સાંખ્યવાદીઓએ પણ અનેક તત્ત્વ ભેગી પૃથ્વીની સંખ્યાગણના કરતાં કહ્યું: ગન્ધવતી પૃથિવી. વર્ષામાં પૃથ્વીનું આ રૂપ પ્રકટ થાય છે. કોઈ એકાદ ફૂલની સુવાસ નહીં પણ જેટલો ધરતીનો વિસ્તાર તેટલો ગન્ધનો વિસ્તાર, એ તો વર્ષામાં જ સમ્ભવે. આપણા કવિ પણ અહીં એવી મહેકની વાત કરે છે. આપણા ચિત્તમાં પણ ત્યારે ખુશીની ખુશબો ઊછળી રહે છે. તદ્રૂપતાનું બીજું ચિત્ર જુઓ:

ઝાકળેથી એ બધાં યે શોભતાં,
જોઈ આંસુ હર્ષ કેરાં આંખમાં આવી જતાં!

ઘાસમાં એક પ્રકારની આદિમતા રહેલી છે. સૃષ્ટિના પ્રારમ્ભનો હૃદયધબકાર ઘાસની નાડીમાં છે. એનો સ્પર્શ આપણામાં રહેલા કશાક વન્ય તત્ત્વને જગાડે છે. આથી જ તો તણખલું તોડીને આપણે અન્યમનસ્ક બનીને દાંતે ચાવવા માંડીએ છીએ; આજુબાજુ સભ્ય સમાજ નહીં હોય તો ઘાસમાં આળોટવાનું આપણને મન થાય છે, એને હરણની જેમ ઠેકડા મારીને ખૂંદી વળવાનું મન થાય છે. સાગરખેડુ તો આપણામાંના બધા નહીં થાય, પણ ઘાસખેડુ કોણ નહીં હોય? ઝાકળથી ભીનાં તૃણની મખમલી બિછાત પર ખુલ્લે પગે શહેનશાહની અદાથી ચાલવાનો આનન્દ એ સૌ કોઈના અધિકારની વસ્તુ છે. પણ જેનાં ચરણ રૂંધાયાં હોય, તેનાં નયન હરણ બની જાય છે. આથી જ તો કવિ કહે છે:

થાય છે મારી નજર જાણે હરણ
ને રહે છે ઠેકતી એ ઘાસમાં;….

સમુદ્રને કાંઠે બેસીને સમુદ્રને જોતાં આપણે થાકતા નથી. ઘાસના મેદાનને જોતાં પણ આંખને થાક લાગતો નથી. એકવિધતાનો પણ અનોખો જાદુ હોય છે પણ એને ફલકની અપેક્ષા રહે છે. પણ જેમ ફલક મોટું તેમ દૂરતા વિશેષ. આ દૂરતાને સ્પર્શક્ષમ શી રીતે બનાવવી? નયનથી જ એને સ્પર્શી શકાય. આથી આપણા કવિ પણ નયનના સ્પર્શથી એની નજાકતને માણે છે. ‘તોય’, ‘છતાં’થી જે વિરોધ રજૂ થાય છે તે વિરોધ આભાસી જ હોય છે ને કાવ્યમાં આવો આભાસ જ વધુ આસ્વાદ્ય બની રહે છે તે રસિકોની પ્રતીતિનો વિષય છે.

હવે રંગ બદલાયો, હવે હરિત અને પીતનું મિલન થયું. પણ પીત એ હરિતનો જ વિકાસ છે ને? કવિ આ મિલનને આભ અને ધરતીના મિલન તરીકે વર્ણવે છે. પીત અને હરિતનો સંયોગ તે આભ અને ધરતીનાં મનનો મેળ છે. અહીં મને ફરી રવીન્દ્રનાથ યાદ આવે છે. વૃક્ષની છાયામાં ઊગતું ઘાસ હરિત વર્ણ ટકાવી રાખી શકે છે પણ વૃક્ષો વિનાના મેદાનમાં ઊગતું ઘાસ તાપથી જલદી પીળું પડી જાય છે. આ જોઈને રવીન્દ્રનાથ કહે છે કે મેદાનમાંના આતપને એની છાયાસંગિનીનો વિરહ થયો છે. આથી એ પીળો પડી ગયો છે! પણ અહીં તો મન મળ્યાની વાત છે, ને એની વધાઈ ખાનારનું મોં ગળ્યું તો થવું જ જોઈએ ને! એ પંક્તિમાં કવિએ ‘ગળ્યું’ શબ્દનો પ્રયોગ વિશેષણ અને ક્રિયાપદ બંને તરીકે ખૂબીપૂર્વક કર્યો છે. મધને ‘ગળ્યું’ એવા વિશેષણની જરૂર રહેતી નથી, આથી કવિ એને ક્રિયાપદ રૂપે જ લેવાનું સૂચવી દે છે.

સાંજ વેળા – ને ખાસ કરીને વર્ષાની સાંજે – એવી પળો આવે છે જ્યારે બધું કશીક અલૌકિકતામાં એકરસ થઈ જતું લાગે છે. ત્યારે સૃષ્ટિ લૌકિકતાનો સીમાડો ઉલ્લંઘવાને ‘કુમારસમ્ભવ’માંની પાર્વતીની જેમ ઊભી હોય છે. એની ‘ન યયૌ ન તસ્થૌ’ની મુદ્રા ત્યારે પ્રકટ થાય છે. ત્યારે આપણી સૃષ્ટિ અલૌકિકતાની દિશામાં ઉપાડેલો પગ પાછો મૂકીને પોતાની લૌકિકતામાં પાછી વળે છે. આ પહેલાંના ક્ષણાર્ધની લૌકિકઅલૌકિકની એકાકારતાની અનુભૂતિ કવિએ અહીં પકડી છે. એ એમને મન ક્રીડાની ક્ષણ છે. ક્રીડાના ભેરુઓ એમને પણ બોલાવી લઈ જાય છે. આ ક્રીડા એ તદ્રૂપતાની છેલ્લી અવસ્થા છે. ક્રીડાના સંગી થવામાં જે તદ્રૂપતા સિદ્ધ થાય તેની તોલે બીજું કશું નહીં આવે કારણ કે ક્રીડાના રસને ટકાવવા પૂરતી ભિન્નતા જાળવવા છતાં, એ રસને પૂરો માણવા માટે ક્રીડાથી જ, એક જ ક્રીડાના ભેરુઓ તરીકેની, અભિન્નતા પણ અનુભવવી એ એક વિરલ સંયોગ છે. આ અનુભૂતિને માણ્યા પછી જ કવિ તદ્રૂપતાનું પૂર્ણ રૂપ વર્ણવી શકે છે:

પુલકને એ જોઈને લાગે મને
કે ઘાસ જુદે રંગ મારે અંગ
નાનું રૂપ લઈ વ્યાપી રહ્યું!

અહીં આ તદ્રૂપતાની તૃપ્તિના થેઈથેઈકારની થાપ બીજી પંક્તિમાંના ‘રંગ’ અને ‘અંગ’ના મૃદંગઘોષમાં સંભળાશે.

આ જે કેવળ બહાર હતું તેનો પૂરેપૂરો, અન્તરમાં થતો, અંગીકાર અનુભવીને કવિ પોતાના જ મનની આ સાધનાની શક્તિ અથવા તો સ્નેહની આરાધનાથી ચકિત થાય છે. આ સુખદ આશ્ચર્યથી એમનું મન સ્વપ્નમાંય ઘાસની જેમ ફરકી રહે છે.

પ્રહ્લાદ પારેખની કવિતાનો મુખ્ય સૂર તે જે ‘બારીબહાર’ છે તેનો અન્તરમાં થયેલો આવો સુખદ અંગીકાર છે. ઘણે અંશે આ અંગીકારનાં આલમ્બન અને ઉદ્દીપન પ્રકૃતિ બની રહે છે. પ્રકૃતિમાં જટિલતા છતાં સરલતા છે પણ માનવીના સંસારમાં જે જટિલતા છે તેનો અંગીકાર કદાચ આટલો સુગમ નથી. એ જટિલ સંકુલતાના અંગીકારની કવિતાથી જુદી ભાતની આ કવિતા છે. એમાં આદિમ જગતની વ્યાપ્તિ છે. જે કુતૂહલથી ઇન્દ્રિયો સૃષ્ટિની બાલ્યવયને આદિકાળમાં મુગ્ધ બનીને નિહાળતી હશે તે કુતૂહલનો લય એમનાં કાવ્યોમાં છે. મુગ્ધ ઇન્દ્રિયોનું સંચરણ એમાં વરતાય છે, સૌરભ અને ઘ્રાણેન્દ્રિયનું એમાં વર્ચસ્ છે.

કાલિદાસના ‘મેઘદૂત’માં આપણા ભૂખણ્ડની પ્રાકૃતિક છબિ આપણે જોઈ. આપણા મનની છબિ સાથે આપણા પરિવેશની છબિ જોડાતી નથી ત્યાં સુધી એક પ્રકારની ઊણપ રહ્યા કરે છે. પાસ્તરનાકે એમની નવલકથા ‘ડો. ઝિવાગો’માં રશિયાનું જે પ્રાકૃતિક ચિત્ર ઉપસાવ્યું છે તે જોતાં એમણે આમરણ રશિયા છોડીને હદપારી કેમ નહીં સ્વીકારી તે આપણને સમજાય છે. આપણી ભૂમિ પણ આવાં અનેક ચિત્રો માગે છે. કાલિદાસ પછી રવીન્દ્રનાથે એ ચિત્રો આપ્યાં. વિદગ્ધો મુગ્ધ નહીં જ થઈ શકે, એવો તો કોઈ નિયમ નથી ને?