ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગામને કૂવે
ગામને કૂવે
ગામને કૂવે પાણીડાં નહિ ભરું,
કૂવે કળાયલ મોર, મોરી સૈયરું,
ગામને કૂવે પાણીડાં નહિ ભરું.
ગામને સરવરિયે ઝીલણ નહિ કરું,
સરવરિયે ચિત્તડાનો ચોર, મોરી સૈયરું,
ગામને…
ગામની વાડીમાં કદી નહિ ફરું.
વાડીમાં પિયુનો કલશોર, મોરી સૈયરું,
ગામને…
ગામને ચૌટે ઘડીભર નહિ ઠરું,
ચૌટામાં ચમકે ચકોર, મોરી સૈયરું,
ગામને…
ગામમાં રહીને જઈ ક્યાં ઠરું?
ઠાલો એકે ન મૂકે ઠોર, મોરી સૈયરું,
ગામને…
ગામમાં માતી હું ન’તી ઘૂમતાં,
તોડ્યો એણે મનડાનો તોર, મોરી સૈયરું,
ગામને કૂવે પાણીડાં નહિ ભરું.
૨૨-૫-૧૯૪૫
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૩૫)