ગુજરાતી ગઝલસંપદા/કાન્ત


કાન્ત

તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે?

સખી! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે –
સ્મરંતાં ના શકું સૂઈ! કહે, સાથી સૂએ છે કે?

સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં –
હૃદયનાં ધોઉં છું પડ હું! કહે, તે એ ધુએ છે કે?