ગુજરાતી ગઝલસંપદા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી


મણિલાલ નભુભાઈ દ્વિવેદી

કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે;
ખફા ખંજર સનમનામાં, રહમ ઉંડી લપાઈ છે.

જુદાઈ ઝિંદગીભરની કરી રોરો બધી કાઢી;
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
હજારો રાત વાતોમાં, ગુમાવી એ કમાઈ છે.

ઝખમ દુનિયા ઝબાનોના, મુસીબત ખોફનાં ખંજર;
કતલમાં એ કદમબોશી ઉપર કયામત ખુદાઈ છે.

શમા પર જાય પરવાના, મરે શીરી ઉપર ફરહાદ;
અગમ ગમની ખરાબીમાં મઝેદારી લૂંટાઈ છે.

ફના કરવું – ફના થાવું, ફનામાં શેહ સમાઈ છે;
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે.

ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું;
સનમના હાથની છેલ્લી હકીકતની રફાઈ છે.

સદા દિલના તડપવામાં સનમની રાહ રોશન છે;
તડપ તે તૂટતાં અંદર ખડી માશૂક સાંઈ છે.

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં બદનગુલને નવાઈ છે.

હજારો ઓલિયા મુરશિદ ગયા માશૂકમાં ડૂલી;
ન ડૂલ્યા તે મૂવા એવી કલામો સખ્ત ગાઈ છે.