ગુજરાતી ગઝલસંપદા/ અંકિત ત્રિવેદી


અંકિત ત્રિવેદી
1

શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.

સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.

એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.

એમને તો જે હશે તે ચાલશે,
એમના નામે કશું રાંધો નહીં.

આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.

2

મણકો છું, પણ હું માળાની બ્હાર ઊભો છું,
સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું.

રંગ ઉછીના સાંજ કનેથી લઈને જીવ્યો,
અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું.

ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો,
પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું.

બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,
ટહુકો ક્યાં છે, ક્યાં માળાની બ્હાર ઊભો છું!

ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,
ઊભો છું પણ કૂંડાળાની બ્હાર ઊભો છું.