ગુજરાતી ગઝલસંપદા/ અશોક ચાવડા ‘બેદિલ’
અશોક ચાવડા ‘બેદિલ’
અંધારથી ડર્યા વગર, દીવો કરી જુઓ,
અજવાશ આવશે નજર, દીવો કરી જુઓ.
અંદર સુધી ઉજાસનો અનુભવ થઈ જશે,
સગપણ વગર કબર ઉપર, દીવો કરી જુઓ.
ઊંચી ઈમારતોમાં છે દીવાલ મીણની,
કહેવું કઈ રીતે : “નગર, દીવો કરી જુઓ?”
મનમાં ન મેલ હોય તો પડશે નહીં ફરક,
કપડાં ભલે લઘરવઘર, દીવો કરી જુઓ.
મારી જ જેમ જર્જરિત છે બારસાખ પણ,
રોકાઈ જાવ, આજ ઘર, દીવો કરી જુઓ.
ઇતિહાસને ઊંચકી શકું એવાય સ્કંધ છે;
પણ શું કરું? ઇતિહાસ તો પાનાંમાં બંધ છે.
કલ્પાંત કરતી ક્યારની નિર્વસ્ત્ર દ્રૌપદી,
ધૃતરાષ્ટ્રની ક્યાં વાત આખું વિશ્વ અંધ છે.
સાથે રહ્યા છે એટલે સોબત થઈ હશે,
કે આજ તો કાંટા મહીં મોહક સુગંધ છે.
તૂટી જશે ક્યારેક તો એ વાતવાતમાં,
બહુ સાચવીને શું કરો આખર સંબંધ છે.
તું મોત માંગીને હવે 'બેદિલ' કરીશ શું?
જ્યાં જિંદગીમાં રોજ મરવાનો પ્રબંધ છે.
</poem>