ગુજરાતી ગઝલસંપદા/ ઉર્વીશ વસાવડા


ઉર્વીશ વસાવડા
1

ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું,
નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું.

આ ધરા માફક મહેકતાં છો મને ના આવડે,
તરબતર ભીના થઈ વરસાદનું સ્વાગત કર્યું.

પ્હાડની સંવેદનાઓ આ ક્ષણે સમજાય છે,
કૈંક ઝરણાંએ વહી વરસાદનું સ્વાગત કર્યું.

વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.

માત્ર આ આકાશને પોષાય એવું આ રીતે,
એમ ધરતીએ કહી વરસાદનું સ્વાગત કર્યું.

2

કવિના ગામ મધ્યે જઈ, કવિના પ્રાણ લઈ આવો,
કવન અકબંધ રહેવા દઈ, કવિના પ્રાણ લઈ આવો.

ફૂલોથી પણ વધુ નાજુક કવિનું ઘર છે સમજીને,
સુકોમળ ઓસ જેવા થઈ, કવિના પ્રાણ લઈ આવો.

પડે વિક્ષેપ ના સ્હેજે કવિની ગાઢ નિદ્રામાં,
ચરણને મૌન રહેવા કહી, કવિના પ્રાણ લઈ આવો.

પ્રતીક્ષારત હશે શબ્દો જવા ઘરમાં ગરિમાથી,
અદબથી સાથ એના રહી, કવિના પ્રાણ લઈ આવો.

ખજાનો છે ખરેખર સ્વર્ગ માટે પણ મહામૂલો,
જતનપૂર્વક ને સાવધ રહી, કવિના પ્રાણ લઈ આવો.

કલમ હો હાથમાં તો બે ઘડી દ્વારે ઊભા રહેજો,
રજા મા શારદાની લઈ, કવિના પ્રાણ લઈ આવો.