ગુજરાતી ગઝલસંપદા/ એસ. એસ. રાહી
એસ. એસ. રાહી
દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે
સંસારના ભ્રમણની શી છે જરૂર મારે
હું તો પ્રવાસી ઘરનો, ફળિયા સુધી જવું છે
પહોંચીને થડની ટોચે પસ્તાયો છું હું અનહદ
વીતેલ યુગને મળવા મૂળિયાં સુધી જવું છે
એ જન્મટીપનો કેદી પોતે નવલકથા છે
એના હૃદયના બારીક સળિયા સુધી જવું છે
ત્યાં ચેન છે? મજા છે? ઉષ્મા છે? જાણવાને
તારા અકળ નયનના તળિયા સુધી જવું છે