ગુજરાતી ગઝલસંપદા/ કરસનદાસ લુહાર
કરસનદાસ લુહાર
ભરું કેમ ખોબો અરીસાળ જળમાં?
કે, નભની તરસનું તરે આળ જળમાં.
લઈ હુંપણું હું જ ડૂબી ગયો પણ,
તરંગો ન ઊઠ્યા આ પથરાળ – જળમાં.
મને ઝાંઝવાંમાં જડ્યાં ઝાંઝવાંઓ,
પરંતુ ન જળની મળી ભાળ જળમાં.
હકીકતની હોડીઓ ઊંધી વળી ગઈ,
આ અફવાના ઊંડા નરાતાળ જળમાં.
ચલો મત્સ્ય મારાં! હવે જળવટો લો,
જુઓ જળ સ્વયં પાથરે જાળ જળમાં.