ગુજરાતી ગઝલસંપદા/ કિરીટ ગોસ્વામી
કિરીટ ગોસ્વામી
જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.
થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,
આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.
જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;
એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.
દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.
મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.