ગુજરાતી ગઝલસંપદા/ કૈલાસ પંડિત


કૈલાસ પંડિત
1

ભડભડ બળતું શહેર હવે તો
ખુલ્લું પડતું શહેર હવે તો

સૂરજ થઈને સિગ્નલ ઊગ્યાં
એને નમતું શહેર હવે તો

દરિયો ક્યાં છે, આભ ગયું ક્યાં?
ભૂલું પડતું, શહેર હવે તો

ખાંસી ખાતી લોકલ એમાં
ધક્કે ચડતું શહેર હવે તો

ભીંત રચી સહુ ચાલે ભેગા
ટોળે વળતું શહેર હવે તો

લાશ ઊઠાવી ખુદની ખાંધે
રોજ નીકળતું શહેર હવે તો

2

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઈ રીતે પાછો ફરી શકું?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું?