ગુજરાતી ગઝલસંપદા/ ગુંજન ગાંધી


ગુંજન ગાંધી
1

ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

કંઈ સરતચૂક એમ લાગે જીવવામાં થઈ હશે,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ન'તી,
એ તમારા આવવાથી આમ બહુ હરખાય છે.

છેક છેલ્લે વારતામાં પાનાં કોરાં રાખવાં,
‘Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.

2

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?

જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો,
એક સપનું ભૂલથી આવી ગયું તો શું થયું?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી,
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?

જિંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?

કેટલી ઇચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી,
એક-બે ઇચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?