ગુજરાતી ગઝલસંપદા/ જગદીશ વ્યાસ
જગદીશ વ્યાસ
મઝધારમાં ડૂબી રહ્યું હો વ્હાણ, દીકરી!
એવું જ મારું જીવવું તું જાણ, દીકરી!
હું ક્યાં રમી શકું છું તારી સાથ સ્હેજ પણ
શય્યામાં થનગને છે મારા પ્રાણ, દીકરી!
મારા વિના તું જીવવાનું લાગ શીખવા
ટૂંકું છે બહુ મારું અહીં રોકાણ, દીકરી!
ભૂલી નથી શક્તો હું ઘડીકે ય કોઈને,
જબરું છે બહુ કુટુંબનું ખેંચાણ, દીકરી!
સાકાર હું કરતો હતો એક સ્વપ્ન આપણું,
એમાં પડ્યું છે અધવચે ભંગાણ, દીકરી!
જો પ્રાર્થના કરે તો તું એમાં ઉમેરજે:
મારું પ્રભુ પાસે બને રહેઠાણ, દીકરી!