ગુજરાતી ગઝલસંપદા/ જયેન્દ્ર શેખડીવાલા
જયેન્દ્ર શેખડીવાલા
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામાં મળ્યાં
કોઈ સાંજે એમ પગલાં આપણાં સામાં મળ્યાં
મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં
ને ગગનને મ્હેંકના પડઘાનાં ધણ સામાં મળ્યાં
આપણો સુક્કો સમય થઈ જાય છે જ્યારે નદી-
થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં
કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું :
શ્વાસના એકાન્તને એનાં વતન સામાં મળ્યાં
આજ બારીબ્હાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણે
આંખને ગઈકાલનાં દૃશ્યો બધાં સામાં મળ્યાં