ગુજરાતી ગઝલસંપદા/ જવાહર બક્ષી


જવાહર બક્ષી
1

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તોપણ પ્રવાસ ચાલે છે.

કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

કોઈનું આવવું, નહિ આવવું, જવું, ન જવું,
અમસ્તો આંખમાં ઉઘાડ – વાસ ચાલે છે.

દશે દિશામાં સતત એક સામટી જ સફર!
અને હું એય ન જાણું... કે શ્વાસ ચાલે છે.

અટકવું એય ગતિનું જ કોઈ રૂપ હશે!
હું સા...વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

2

ટોળાંની શૂન્યતા છું જવા દો, કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈસુમાં બીજું કૈં નવું નથી.

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ,
હું ઢોલ છું, પીટો — મને કૈં પણ થતું નથી.

સાંત્વનનાં પોલાં થીંગડાંમાં સૂઈ ગઈ છે રાત,
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.

3

ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે? છે બસ એક એની મનાનો અનુભવ;
મળ્યાનો વળી બીજો આનંદ શું છે? સિવાયે કે એની રજાનો અનુભવ.

હવે જો હું માનું તો ખોટું નથી કે હતું એને મારા તરફ પ્રેમ જેવું,
ગમે તે રીતે પણ મને છોડી દઈને કરે છે એ કોઈ ગુનાનો અનુભવ.

કદાચિત્ તને ભૂલવામાં મજા હો એ માની ઘટાડ્યે ગયો યાદ તારી,
હજી પણ મને યાદ આવી રહ્યો છે તને ભૂલવાની દશાનો અનુભવ.

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો!
તરત એ બિચારાને એ તો ન પૂછો કે કેવો રહ્યો ઝાંઝવાંનો અનુભવ.

મને થોડી અગવડ પડી રહી’તી તેથી ફના ઘર બદલતાં મેં બદલી નાખ્યું,
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો જૂની જગાનો અનુભવ.