ગુજરાતી ગઝલસંપદા/ ધીરેન્દ્ર મહેતા
ધીરેન્દ્ર મહેતા
જોયું, એકાન્ત જ્યાં આમ વાતે વળે,
ઓરડો શાન્ત બેસી રહી સાંભળે?
પ્હાડ ધુમ્મસ બનીને બધે પીગળે :
પથ્થરોનાં હૃદય તો ગજબ ખળભળે!
ટેકરી પાર ઓ સૂર્ય જ્યારે ઢળે,
પળ પ્રતીક્ષા તણી સામટી સહુ બળે.
આગિયાઓ કરે રોશની ચોદિશે,
ગીત બાંધી ફરે કૈંક તમરાં ગળે!
શબ્દને મૌન બન્ને વિવશ થઈ રહે,
વાતમાં વાત એની અગર નીકળે.
આંખ ને હોઠને થાય અવઢવ કશી :
આ રૂપે તો ફરી એ મળે – ના મળે.
મુજ ચરણમાં હરણ પેઠું, રોકાય ના,
લો, હવે આંખમાં ઝાંઝવાં ઝળહળે!