ગુજરાતી ગઝલસંપદા/ ધ્વનિલ પારેખ


ધ્વનિલ પારેખ
1

આ તરફ સત્ય ને તે તરફ તું હતી,
આ તરફ પ્રશ્ન ને તે તરફ તું હતી.

તેજ પથરાયું કોનું આ પૃથ્વી ઉપર?
આ તરફ સૂર્ય ને તે તરફ તું હતી.

એવી ક્ષણ આવી'તી જિંદગીમાં પ્રિયે,
અ તરફ વિશ્વ ને તે તરફ તું હતી.

આપણું મળવું કાયમ અધૂરું હશે,
આ તરફ પૂર્ણ ને તે તરફ તું હતી.

કોણ સમજાવશે અર્થ આ શબ્દનો?
આ તરફ અર્થ ને તે તરફ તું હતી.

2

તારી ભીતર હોય અવઢવ છોડ તું,
રોજ વધતી જાય સમજણ છોડ તું.

પારદર્શક હોય માણસ સારું છે,
બાકી તૂટી જાય સગપણ છોડ તું.

સુખનું એવું કોઈ ઠેકાણું નથી,
એવું જો લાગે તો સુખ પણ છોડ તું.

રાત આખી સળગે દીવો શક્ય ના,
તો પછી ઓ દોસ્ત અવસર છોડ તું.

ચોતરફથી છે સવાલો સામટા,
હોય ઉત્તર એક, ઉત્તર છોડ તું.

શ્વાસની દુકાન છે, રકઝક ન કર,
આપશે એ ઓછું વળતર, છોડ તું.

એક ચહેરો બારી થઈને ઝૂરતો,
આખરે એવું ય વળગણ છોડ તું.