ગુજરાતી ગઝલસંપદા/ પરાજિત ડાભી


પરાજિત ડાભી

પંડિતોનો ડર સતાવે છે મને,
એ જ ભય સાચું લખાવે છે મને.

મારવા ઊભા થયા છે દોસ્તો,
દુશ્મનો કાયમ બચાવે છે મને.

સુખમાં ગમગીન રહેતો હોઉં છું,
આ બધાં દુઃખો હસાવે છે મને.

એક અદનો છું અભણ હું આદમી,
સૌ કવિઓમાં ખપાવે છે મને.

કાખઘોડી જેમનો આધાર છે,
એ હવે રસ્તો બતાવે છે મને.