ગુજરાતી ગઝલસંપદા/ પ્રણવ પંડ્યા


પ્રણવ પંડ્યા
1

સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે,
બહુ વલોવે છેઃ સ્મરણની એ જ તો તકલીફ છે!

ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખીએ,
જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે!

મૌન પાછળ લાગણી ઢાંકી ન શક્યું કોઈપણ,
સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે!

ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ,
હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે!

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે.

2

ભીની ઝાકળ શા ઝળહળવાનું સુખ સૌને નથી મળતું,
કોઈ કારણ વગર મળવાનું સુખ સૌને નથી મળતું.

સતત વહેવું, બધું સહેવું, ન કાંઠાનેય કૈં કહેવું,
આ ઝરણા જેમ ખળખળવાનું સુખ સૌને નથી મળતું.

ખરેલાં પાંદડાંના કાનમાં બસ એટલું કહેવું છે,
ઊગો એ માટીમાં ભળવાનું સુખ સૌને નથી મળતું.

વળાંકેથી વળી જાતા આ રસ્તાની વિનંતી છે :
હજી પાછા વળો, વળવાનું સુખ સૌને નથી મળતું.

સળગતું આયખું મ્હેકે અગરબત્તી શા અક્ષરમાં,
કવિતામાં આ ઓગળવાનું સુખ સૌને નથી મળતું.