ગુજરાતી ગઝલસંપદા/ બરકત વિરાણી ‘બેફામ’


બરકત વિરાણી ‘બેફામ’
1

તબીબો પાસથી હું નીકળ્યો દિલની દવા લઈને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈને,

ગમી પણ જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જૂજવાં લઈને.

તરસ ને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,
નહીં તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઈને.

સફરના તાપમાં માથા ઉપર એનો છાંયો છે,
હું નીકળ્યો છું નજરમાં મારા ઘરના નેજવાં લઈને,

બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલાં ટેરવાં લઈને.

કરું છું વ્યક્ત એ માટે જ એને ગાઈ ગાઈને,
ગળે આવી ગયો છું હું અનુભવ અવનવા લઈને.

હું રજકણથી ય હલકો છું તો પર્વતથીય ભારે છું,
મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને

સુખી જનની પડે દૃષ્ટિ તો એ ઈર્ષા કરે મારી,
હું આવ્યો છું ઘણાં એવાં દુઃખો પણ આગવાં લઈને.

ફક્ત એથી જ મારા શ્વાસ અટકાવી દીધા ‘બેફામ’,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈ ને.

2

ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને!

સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઈ નહોતું એ છતાં સૌએ મને લૂંટી ગયાં,
કાંઈ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

એ બધાંના નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારા સારા માનવીઓએ જલાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જણાવ્યો છે મને,

છે હવે સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

આ બધાં ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

3

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઈની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઈ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયાં હવા સારી નથી હોતી.

કબરમાં જઈને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઈ પણ જગા સારી નથી હોતી.