ગુજરાતી ગઝલસંપદા/ ભરત ભટ્ટ ‘પવન’
ભરત ભટ્ટ ‘પવન’
માનું છું કે તારી કરવત ધાર્યા કરતાં સારી છે,
મારી પણ પોતાની કિસ્મત ધાર્યા કરતાં સારી છે.
મારી પાસે તારા થોડા પત્રો છે, બીજું કંઈ નહિ,
સરવાળે જે છે એ મિલ્કત ધાર્યા કરતાં સારી છે.
રમવામાં ને રમવામાં તેં મારા દિલને તોડ્યું, પણ;
તેં જે તોડ્યું, એની કિંમત ધાર્યા કરતાં સારી છે.
સન્નાટો, ખામોશી, ખાલીપો ને ભરચક એકલતા;
તો પણ મારા ઘરની હાલત ધાર્યા કરતાં સારી છે.
ક્યારેક તો એની સાથે તું બાગ-બગીચે રખડી જો;
નામ ‘પવન’ છે, એની ઈજ્જત ધાર્યા કરતાં સારી છે.