ગુજરાતી ગઝલસંપદા/ મધુસુદન પટેલ ‘મધુ’
મધુસુદન પટેલ ‘મધુ’
ન શોધો ક્યાંય પણ એને કે એ તો આંખ આગળ છે,
હવાના ગર્ભમાં જળ છે ને સાબિત એ ઝાકળ છે.
ગદાઓ ભીમની હું એકસો ને એક લાવું, પણ,
થયો છું સ્હેજ નાસીપાસ કે અગણિત સાથળ છે.
કદી પહોંચે તો આપોઆપ હોડી થઈને તારે છે,
કવિતા મૂળ તો એણે લખેલો એક કાગળ છે.
કદી માટી મહીં ભળતું, કદી સંતાતું આકાશે,
એ પાણી એ જ પાણી છે, બસ એનું નામ વાદળ છે.
'મધુ', એ રૂપ છે ને એય તે તારા જ મનનું છે,
તને લાગે છે તારા મનની ફરતે કોઈ સાંકળ છે.