ગુજરાતી ગઝલસંપદા/ મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’


મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’

ગુફતગૂમાં રાત ઓગળતી રહી,
ને શમાઓ સ્પર્શની બળતી રહી.

સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.

વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.

ઊંટના પગલાંમાં હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની ટળવળતી રહી.

હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.

હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.