ગુજરાતી ગઝલસંપદા/ મનહર મોદી


મનહર મોદી
1

સરસ આંખો વિના કારણ રડેલી લઈને આવ્યો છું
બધી ખોટી વ્યથા સાચી ઠરેલી લઈને આવ્યો છું

તમારી રાહ જોઈ થાકવામાં પણ મજા લે છે
બધીયે સાંજ ઠેકાણે પડેલી લઈને આવ્યો છું

જગત આખું ચળકતું સ્વપ્ન છે કોઈક આંખોનું
મને એ બાતમી એમ જ મળેલી લઈને આવ્યો છું

ભલી થઈ લાગણી દેખાવના દરિયે ડૂબી ગઈ છે
અને ત્યાંથી ફરી બેઠી થયેલી લઈને આવ્યો છું

અહીં એવા ય લોકો છે કે અડધું ઊંઘવા દે છે
અને હું ઊંઘ પણ અડધી વધેલી લઈને આવ્યો છું

હકીકત જો કહું તો જિંદગી બળતી બપોરો છે
અને એમાંય હું સંધ્યા ઢળેલી લઈને આવ્યો છું

તમારા સમ હવેથી હું નથી કોઈ જ ઠેકાણે
મને નશ્વર જગા વળગી ગયેલી લઈને આવ્યો છું

2

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા

આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

3

પુષ્પની ભીંતો ચણાવો તો ખરાં
ને પછી બારી મુકાવો તો ખરાં

બે પછી બપ્પોર આગળ ના વધી
એના ફોટાઓ પડાવો તો ખરાં

હાથની તાકાત ટેકો આપશે?
જાતને ઊંચકી બતાવો તો ખરાં

માર્ગ આખો ડોલશે ને દોડશે
મ્હેકને ડગલું ભરાવો તો ખરાં

એકડામાં એક મીંડું જેટલું
એટલી જગ્યા બનાવો તો ખરાં

શબ્દથી શાણી વિચારોથી ભલી
લાગણી જોખી બતાવો તો ખરાં

હું સતત વહેતો પ્રવાહી ખ્યાલ છું
જો મને ઊભો રખાવો તો ખરાં

ચાર રસ્તા શાંત ને ચૂપચાપ છે
એ રીતે જાઓ ને આવો તો ખરાં