ગુજરાતી ગઝલસંપદા/ મરીઝ


મરીઝ
1

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તિજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે!

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

2

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યા યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક સૂની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનનીય મજા યાદ.

માગી મેં બીજી યીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી તો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિજ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

જાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડાક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

3

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફક્ત એના મોઘમ ઇશારે ઇશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો,
થતી ર્હેશે ઇચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે,
નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.