ગુજરાતી ગઝલસંપદા/ મહેન્દ્ર ‘સમીર’


મહેન્દ્ર ‘સમીર’

ચોતરફ ઈમાનની સોદાગરી જોયા કરી,
દર્દહીણી જિંદગીની દિલ્લગી જોયા કરી.

એક મૂંગી વેદનાનો આશરો લઈ હે ખુદા!
તરબતર આંખોથી તારી બંદગી જોયા કરી.

આંખમાં મૃગજળનો દરિયો, હોઠ પર પ્યાસી તરસ,
આયનામાં એમ કૈં દીવાનગી જોયા કરી.

એક ભીની પળ લઈ ચાલ્યો ગયો જ્યારે અતીત,
મેં સમય કેરી ક્ષિતિજ પર જિંદગી જોયા કરી.

એમનામાં કંઈક તો છે આસ્થા જેવું ‘સમીર’,
શેખજીએ બેખુદીમાં બંદગી જોયા કરી.