ગુજરાતી ગઝલસંપદા/ મુકુલ ચોકસી


મુકુલ ચોકસી
1

સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી.

વિસ્તરતી ચાલે મારી ક્ષિતિજો આ દૂર.. દૂર..
ને આમ કોઈ જાતનું ખેંચાણ પણ નથી.

માટે તો અર્થહીન આ ઊભા રહ્યા છીએ,
ત્યજવું નથી, ને કાયમી રોકાણ પણ નથી.

સંપૂર્ણ શાંતિ કેવી રીતે સંભવી શકે!
કર્ફ્યૂ નખાય એટલું રમખાણ પણ નથી.

2

આપણી અંદર મરી પરવારી ગયેલા કોઈએ,
બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઈએ.

સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઈએ,
ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઈએ.

ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,
બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઈએ.

આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઈએ!

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઈક ઉપરવાસમાં વરસાદ જેવું જોઈએ.

ખાઈ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.