ગુજરાતી ગઝલસંપદા/ રઇશ મનીઆર


રઇશ મનીઆર
1

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે,
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ પણ
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

2

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું છે,
જીવનભર ત્યાં સતતબીજાની સાથે જીવવાનું છે.

દિવસનો બોજો લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનું છે.

બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા,
ભૂરા આકાશના ટૂકડાની સાથે જીવવાનું છે.

જીવનના ચક્રને તાગી શકે તું પણ સરલતાથી,
તલાશી કેન્દ્રને, ત્રિજ્યાની સાથે જીવવાનું છે.

તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધા છે માણસ પર?
ને માણસજાતને શ્રદ્ધાની સાથે જીવવાનું છે.