ગુજરાતી ગઝલસંપદા/ રજનીકાન્ત સથવારા


રજનીકાન્ત સથવારા

સાવ નક્કામી નથી, સારીય છે,
એક રેખા હાથમાં તારીય છે.

જેટલી ભૂલ્યા કરી છે મેં તને,
એટલી ક્યારેક સંભારીય છે.

મેં તને મારા મહીં રહેવા દીધો,
ભૂલ એમાં કંઈક તો મારીય છે.

ડામ ઉપર ડામ જ્યાં દીધા હતા,
એ સમયની પીઠ પસવારીય છે.

મેં જ વિસ્તરતી મૂકેલી તે છતાં
વેદનાને ક્યાંક તો વારીય છે.

એટલો હું કાંઈ પાવરધો નથી,
જિંદગી સામે શરત હારીય છે.

ચાલ આ ચોપાટને સંકેલીએ,
સોગઠામાં એક સોપારીય છે.