ગુજરાતી ગઝલસંપદા/ રમણીક સોમેશ્વર


રમણીક સોમેશ્વર

લ્યો, મને અંધાર અહીં ઘેરી વળે છે
કોઈ ક્યાં બત્તી કરે છે?

આંખમાં તારા વિચારો તરવરે છે
કોણ ‘લ્યા ચૂંટી ભરે છે?

રક્તમાં આ કેટલાં રણ વિસ્તરે છે
શું બધી બકબક કરે છે?

દિગ્ગજો પણ કાન દઈને સાંભળે છે
કોણ રેતીમાં સરે છે?

જીર્ણ આ ખંડેરની દીવાલ પરથી
સૂર્યના કિરણો ખરે છે.