ગુજરાતી ગઝલસંપદા/ રાકેશ હાંસલિયા


રાકેશ હાંસલિયા

આખરે એની કૃપા તો થાય છે,
આપણાથી રાહ ક્યાં જોવાય છે?

એ પધારે; દ્વાર પણ હરખાય છે,
ખુદ ઊઘડવાને અધીરા થાય છે!

કોણ બનવાકાળને ટાળી શકે?
તે છતાં ક્યાં સ્હેજ સ્વીકારાય છે?

માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી,
જળમાં વમળો અણદીઠાં સર્જાય છે!

‘સર્વનું કલ્યાણ કરજો, હે પ્રભુ’
વેણ એવાં એમ ક્યાં બોલાય છે!