ગુજરાતી ગઝલસંપદા/ લલિત ત્રિવેદી


લલિત ત્રિવેદી
1

કમળ ઉઘાડીને જોયું તો એક શબ્દ હતો,
શિલામાં કોળીને જોયું તો એક શબ્દ હતો.

સમુદ્ર ડહોળીને જોયું તો એક શબ્દ હતો,
દિશા ફંફોસીને જોયું તો એક શબ્દ હતો.

તમામ રાત્રિઓના કેફને નિતારીને,
ત્વચા ઢંઢોળીને જોયું તો એક શબ્દ હતો.

સમય ક્ષિતિજ ને પવન નાદ બ્રહ્મ ચૌદ ભુવન,
વટીને, ખોળીને જોયું તો એક શબ્દ હતો.

પછી તો જાતરા લંબાઈ ગઈ’તી કાષ્ઠ સુધી,
ચિતા જલાવીને જોયું તો એક શબ્દ હતો.

ને રાત આખી ધીમા ગોખલાના અજવાળે,
મેં જાગી જાગીને જોયું તો એક શબ્દ હતો.

અનાદિ કંપનો કોષો ને આદિ સૂર્ય વલય,
શમી-સમાવીને જોયું તો એક શબ્દ હતો.

પ્રચંડ રાતનું તાંડવ પ્રકંપ ઘોર પવન,
ત્રિશૂળ ખોડીને જોયું તો એક શબ્દ હતો.

હે પાનબાઈ! ના પ્રકાશ ના તિમિર ન ક્ષણો...,
ગગન પરોવીને જોયું તો એક શબ્દ હતો.

2

નથી એવું કે જે ખોવાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
જે તારી શોધમાં ગુમ થાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

ઘડામાં ઝીણું ઝીણું વ્હાય છે એનો પતો મળતો નથી ક્યાંયે
પીવો જો હોય તો પિવાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

એ સાચું છે કે જે સંતોષ છે એનો પતો મળતો નથી ક્યાંયે
ભલે અંદર છે એવું થાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

ભગતને એક દિ' પૂછ્યું અમે- ભગવાનજી ક્યાં ક્યાં મળે અમને
તો એણે કીધું કે જિવાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

ઝીણી એક કાંકરી મારામાં છે, એક કાંકરી તારામાં છે, પ્રિયજન!
સતત ખેંચે છે તે સમજાય છે, એનો પતો મળતો નથી ક્યાંયે

એ નટખટ છોકરી મીઠું હસી મારી બધી કોડી બથાવી ગઈ
કયા દરિયામાં એ દો’વાય છે એનો પતો મળતો નથી ક્યાંયે

ટપાલીએ... સમીસાંજે... મૂકી થેલો... કીધું તે સાંભળો, ભક્તો!
જનમમાંથી જે નીકળી જાય છે એનો પતો મળતો નથી ક્યાંયે