ગુજરાતી ગઝલસંપદા/ શેખાદમ આબુવાલા


શેખાદમ આબુવાલા
1

ફૂલોનું શું થશે અને ફોરમનું શું થશે?
ઓ પાનખર વિચાર કે મોસમનું શું થશે?

દરિયાદિલી છે દિલની કે પામે છે સૌ જગા,
જો દિલ નહીં રહે તો પછી ગમનું શું થશે?

હું પાપના કરું એ ખરું, પણ જરા વિચાર,
ગંગાનું શું થશે અને ઝમઝમનું શું થશે?

મારા વિના કહો મને એને સંઘરશે કોણ?
ચિન્‍તા નથી ખુશીની પણ આ ગમનું શું થશે?

નિર્વાણ છે કબૂલ પણ એક જ સવાલ છે,
ખુશિયોનું શું થશે અને માતમનું શું થશે?

ચર્ચા કરી રહ્યો છું સુરાલયમાં ધર્મની,
મારા ને સંતના આ સમાગમનું શું થશે?

એનો વિચાર એણે કર્યો તો હશે જરૂર,
કાંટા અને ગુલાબના સંગમનું શું થશે?

ચંચળ હૃદયને માટે આ વાતાવરણ નથી,
યૂરોપમાં રહે છે તો આદમનું શું થશે?

2

કદી કંટકો છે, કદી ફૂલવાડી, પરેશાન ઇન્સાન જોયા કરે છે;
સદા આંખ પોતાની રાખી ઉઘાડી, પરેશાન ઇન્સાન જોયા કરે છે.

સ્વમાની કવિ કોઈ જગના ચરણમાં! ઉમંગી ઝરણ કોઈ વેરાન રણમાં!
વસંતોનો માલિક છે કોઈ અનાડી! પરેશાન ઇન્સાન જોયા કરે છે.

કદી દૂર ર્‌હૈ ઢૂંઢનારાને પજવે, કદી મૂગી લાશોને પોકારી લજવે,
સફળતાની રીતો ન સીધી ન આડી, પરેશાન ઇન્સાન જોયા કરે છે.

ચમનમાં રહો પણ ફૂલોને ન અડકો, ઝબોળી દો જળમાં જુવાનીનો ભડકો,
પડે છે મુહબ્બતના પગ પર કુહાડી, પરેશાન ઇન્સાન જોયા કરે છે.

તમન્ના, ઉમંગો ને અરમાન ચૂપ છે: હૃદયતલનાં બેચેન તોફાન ચુપ છે,
જીવનને કિનારા રહ્યા બૂમ પાડી! પરેશાન ઇન્સાન જોયા કરે છે.

3

માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી, એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.
એ જ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા, એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી.
રૂપનું રંગીન ગૌરવ પ્રેમના લાચાર હાલ, એ જ છે (લાગી શરત) આદમથી શેખાદમ સુધી.
મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા, જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી.
ફૂલમાં ડંખો કદી કયારેક કાંટામાં સુવાસ, લાગણીની આ રમત આદમથી શેખાદમ સુધી.
બુદ્ધિની દીપકની સામે ઘોર અંધારાં બધે, એ એક સત બાકી અસત આદમથી શેખાદમ સુધી.
બુદ્ધિ થાકી જાય તો લેવો સહારો પ્રેમનો, સારી છે આ બૂરી લત આદમથી શેખાદમ સુધી.
મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી, જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી.
જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તી ને કલા, સૌ રહ્યા છે એકમત આદમથી શેખાદમ સુધી.
કોઈના ખોળે ઢળી છે કે પોઢી ઠંડક પામવા, માનવી છે યત્નરત આદમથી શેખાદમ સુધી.
રંગ બદલાતા સમયના જોઈ દિલ બોલી ઉઠ્યું, શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી.
</poem>