ગુજરાતી ગઝલસંપદા/ શ્યામ સાધુ


શ્યામ સાધુ
1

દુ:ખની દીવાલે મોર સમયના મૂંગા હતા;
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં!

હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,
છે દ્વાર ક્યાં? છતાંય કહે છે: ખૂલાં હતાં!

પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.

કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,
ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા!

દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા!

2

ઊડ ઊડ કરતું એક, બીજું નિરાંત કરે છે,
અંદરના પંખીની સંતો વાત કરે છે!

એક પલકમાં તરણા માફક તૂટી જાશે.
ઈચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે.

અક્ષરનો મહિમા તો બંધુ ઓહો! ઓહો!
ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે છે.

ભીતરના અજવાસની ભોગળ વાસી દઈને,
સાવ અમસ્તો સૂરજની પંચાત કરે છે.

‘આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું,’
‘સાધુ’ કેવી દરવેશી રજૂઆત કરે છે!

3

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો,
ક્યારેક સૂની યાદના દીવા બળી ગયાં.

એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં,
સો વાર પેલા મોરનાં પીંછા મળી ગયાં.

આંસુની હર દીવાલે હજુ એના ડાઘ છે,
કૈં કેટલાંય મીણનાં પૂતળાં ગળી ગયાં.

શોધું છું બારમાસીની ડાળીને ક્યારનો,
કોને ખબર છે ફૂલના દિવસો ઢળી ગયાં.

બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી,
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.