ગુજરાતી ગઝલસંપદા/ સુરેન્દ્ર કડિયા


સુરેન્દ્ર કડિયા

પ્રથમ એક બારી ઉઘાડીને રાખી,
પછી આંખ વચ્ચે લગાડીને રાખી.

ભીતરથી હતી સાવ ભીની એ ઘટના,
વળી ફૂલ વચ્ચે ડૂબાડીને રાખી.

અમે સાચવ્યો શબ્દ-વનનો મલાજો,
અમે ખૂબ કોમળ કુહાડીને રાખી.

તમે છાતીએ લહેરખીઓ લપેટી,
અને આખી મોસમ દઝાડીને રાખી.

ગઝલ એક કસ્તૂરી-મૃગ છે ખરેખર,
નથી કોઈ અફવા ઉડાડીને રાખી!