ગુજરાતી ગઝલસંપદા/ સ્નેહલ જોષી


સ્નેહલ જોષી

પાંખ કાપી, ઊડવા આકાશ આપી ને તમારું ઉડ્ડયન રોકી શકે છે;
માણસો મોઢે રહીને ખૂબ સારા પીઠ પાછળ ખંજરો ભોંકી શકે છે.

જિંદગી જીવી જવાનો એક મોટો ફાયદો એ પણ થયો અમને ખરેખર,
ખૂબ ઝડપી આપણો આ શ્વાસ કાયમ આપણી મરજી મુજબ થોભી શકે છે.

પૂર્ણ રીતે જે ડુબાડી દઈ શકે તત્કાળ એવો આપનો ચહેરો કહે છેઃ
આપ એવું એક પુસ્તક છો કે જેને કોઈ પણ નિશ્ચિંત થઈ ખોલી શકે છે.

કોઈ પાગલને દીધેલી રેશમી રંગીન ચાદર જેવું છે અસ્તિત્વ મારું,
હું ઉપેક્ષાઈ શકું છું જેમ એવી રીતથી કોઈ મને ઓઢી શકે છે.

સત્ય સમજાવું અને સમજાવવું છે ખૂબ અઘરું તે છતાં તું કર પ્રયત્નો,
કોઈ મૂંગો માનવી કોશિશ કરે તો વેદ ને ઉપનિષદો બોલી શકે છે.