ગુજરાતી ગઝલસંપદા/ હરીશ ધોબી


હરીશ ધોબી

ઉદાસી આંખમાં લઈ ત્યાગીને ઘરબાર રસ્તા પર
હજી હમણાં જ આવીને ઊભો છું ચાર રસ્તા પર.

બની હો આ પહેલી વાર દુર્ઘટના નથી એવું
મને લાવી મૂક્યો છે કિસ્મતે કૈં વાર રસ્તા પર.

થયું છે ચ્હા પીવાનું મન આ ઢળતી સાંજની સાખે
મળે જો ઓળખીતો કે અજાણ્યો યાર રસ્તા પર.

૨મકડા માટે રડતો જોઉં છું એક બાળકને.
ને પૈસાના અભાવે બાપ છે લાચાર રસ્તા પર.

નિરાંતે વાત મારે પૂછવી છે એક-બે એને
ભિખારી એક જે બેઠો છે સામે પાર રસ્તા પર.

ખુશીનું પર્વ સામે આ તરફ છે શોર માતમનો
અવાચક હું ઊભો છું લઈ હૃદયમાં ભાર રસ્તા પર.