ગુજરાતી ગઝલસંપદા/ હર્ષદ ત્રિવેદી
હર્ષદ ત્રિવેદી
વ્યથા માત્ર મારી ને મારો બળાપો,
સરોવર તમારું તમારો તરાપો.
ત્વચા મેં તો દીધી ઊતરડી તમોને,
ગમે ત્યાંથી સીવો ગમે ત્યાંથી કાપો.
પ્રથમ તો મને બહાર પૂરો જવા દો,
જવા દો, પછીથી કરો બંધ ઝાંપો.
નથી લાગતો શ્વાસ એકે સલામત,
સતત કોઈ મારે છે અંદરથી છાપો
હવે સુખ પણ ઘાસની ગંજી જેવું,
તમે દોસ્ત છો તો પલીતો જ ચાંપો
જૂનાં વસ્ત્ર શાં છે સ્મરણ માત્ર બાકી,
ગમે ત્યારે આવી શકે કોઈ ખાંપો!.
તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે!
લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે.
પ્હેલા તો આંખો બંધ કર, … ઉઘાડ લે હવે;
ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે?
એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં,
બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે!
આ ચાંદનીનાં વસ્ત્ર છે તે શોભશે તને,
કેવી રીતે તારા લગી પ્હોંચાડવાં પ્રિયે?
કે તું જ આવી જા પવનની પાલખી લઈ,
દેખાડશે રસ્તો અહીંના ઝાંઝવાં પ્રિયે!