ગુજરાતી ગઝલસંપદા/ ‘અમર’ પાલનપુરી


‘અમર’ પાલનપુરી
1

રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે.

દીવાનગીએ હદ કરી તારા ગયા પછી
પૂછું છું, હર મકાન પર : કોનું મકાન છે.

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકસાનમાં છે એ જ કે એનું મકાન છે.

કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.

એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.

2

પવન, ફરકે તો એ રીતે ફરકજે, પાન ના ખખડે!!
કોઈને સ્વપ્નમાં માંગી, અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહિ આપે,
જીવનના ભેદને પામી, અમર હમણાં જ સૂતો છે.

મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,
વિરહના રંગમાં રાચી, અમર હમણાં જ સૂતો છે.

ગગન પ્રગટાવ તુજ દીવડા નહીં લાગે હવે ઝાંખા,
નયનનાં દીપને ઠારી, અમર હમણાં જ સૂતો છે.

ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આવી, અમર હમણાં જ સૂતો છે.

અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,
મરણના માનને રાખી, અમર હમણાં જ સૂતો છે.

કહ્યું શત્રુએ મિત્રોને કરો ઉત્સવની તૈયારી,
રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા –!
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકી ને એને લઈ જજે, દુનિયા!
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.