ગુજરાતી ગઝલસંપદા/ ‘સાબિર’ વટવા


‘સાબિર’ વટવા

ચાહ્યું હતું જીવનનું તે ઘડતર ન થઈ શક્યું:
એક રણ હતું, તે રણમાં સરોવર ન થઈ શક્યું.

હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો;
માળીથી તાજાં પુષ્પોનું અત્તર ન થઈ શક્યું.

દિલને હજારો વાર દબાવ્યું, છતાં જુઓ,
આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શક્યું.

ખંડેર દેખી આશાના કૈંક કાફલા રડ્યા;
તૂટેલ આ મિનારનું ચણતર ન થઈ શક્યું.

હરણાંની પ્યાસ રણમાં સદાની છીપી ગઈ,
શું ઝાંઝવાથી, કાર્ય મનોહર ન થઈ શક્યું.

પૂછી મને મનસ્વી વલણથી કથા? સુણો!
‘મેં જે ચહ્યું તે આપથી અકસર ન થઈ શક્યું.’

‘સાબિર’ નજર ઝુકાવીને ચાલો કદમ કદમ;
આ માર્ગમાં પડેલ કો પગભર ન થઈ શક્યું.