ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/તેજ, ગતિ અને ધ્વનિ


જયંત ખત્રી
Jayant Khatri 24.png

તેજ, ગતિ અને ધ્વનિ

જયંત ખત્રી

ઊગતા સૂર્યનાં કિરણોએ લીમડાની ટોચ પર સોનાનો કળશ ચડાવ્યો હતો અને ઝાકળનું ધુમ્મસ વીખરાવા માંડ્યું હતું. લીમડાના થડ આગળથી ચાલી જતી કેડી પર પ્રસાદજી થંભી ગયા. એમની બાજ જેવી ચકોર આંખોએ કસ્તૂરને જોઈ લીધી. એ એક વાર તો લીમડાના થડને ઓથે લપાઈ, પછી દોડીને ભાગી જવા લાગી, ત્યાં પ્રસાદજીએ બૂમ પાડી : ‘એ છોડી, ઊભી રહે!’

કસ્તૂર ઓચિંતી દોડતી અટકી પડી. અને એમ કરતાં, ઝૂલતી વૃક્ષની ડાળે ઊતરી પડતું કોઈ પારેવડું પાંખો પસારી સમતોલપણું જાળવે એમ એણે ઊંચા કરેલા પોતાના બંને હાથની ગતિ અટકાવી, વાળની, લહેરાતી લટોવાળું માથું ઊંચું ફેરવી પ્રસાદજી તરફ બીક અને કુતૂહલથી જોયું.

‘શું કરતી હતી?’

‘કંઈ નહીં,’ કહેતાં કસ્તૂર અસ્વસ્થ બની. ‘તાપણી માટે ડાંખળીઓ વીણતી હતી.’

‘એમ!’ કહેતાં કરડી આંખે પ્રસાદજીએ એના તરફ જોયું, ‘તો બે દિવસથી ફૂલ પહોંચાડવા બંગલે કેમ નથી આવી?’ સૂર્ય જરા વધારે ઊંચે ચડી આવ્યો હતો. અને ‘ચીં ચીં’ કરતું ચકલીઓનું એક ટોળું પ્રસાદજી ઉપરથી પસાર થઈ ગયું.

ત્યાં એક ન બનવાનો બનાવ બની ગયો.

કસ્તૂરની પેલી મોહક મોટી આંખો પર એની પાંપણ ઢળી પડી. એના ગાલ અને કાનની બૂટ લાલ થઈ ગયાં. ધરતી પર અષાઢી મેઘ ઢળે તેમ એની છાતી પર ઝૂલતી વાંકડિયાળી લટોવાળું એનું માથું નમી પડ્યું. લતા વૃક્ષને પડખે ભરાય તેમ એનાં બંને હાથ એની પડખે લપાઈ ગયા. એ કમરમાંથી છેક નીચી નમી ગઈ. જમીન પર ખૂંચી ગયેલા જમણા પગ પર ડાબા પગનો અંગૂઠો ટેકવાઈ ગયો. એક પળમાં કસ્તૂર લજ્જાનું એક સુંદરતમ શિલ્પ બની ગઈ!

સીમાડા વગરના આ સૌંદર્યને જોઈ પ્રસાદજી બેબાકળા બની ગયા. એમણે ઉતાવળે પૂછ્યું : ‘આ તને શું થયું છે, છોડી?’

પણ એ સાંભળવા કસ્તૂર ઊભી ન રહી. દોડતી એ કરેણનાં પીળાં ફૂલોવાળી હરોળ પાછળ અદૃશ્ય થઈ ગઈ.

દેખાઈ ત્યાં સુધી પ્રસાદજીએ એની પાછળ જોયા કર્યું. આંખો આડે અંધારાં ફરી વળ્યાં ત્યારે મનની આંખો સામે કસ્તૂરની લજ્જાની પેલી મોહક અદા કમનીય વર્તુળો રચી રહી… લાલ ગાલ પરનો જાજરમાન ગુલાબી રંગ, મેઘ, આકાશને આવરે એમ કીકીઓને આવરી લેતો – પાંપણોનાં અંધારાં… રંગ, સુગંધ, ગતિ અને સર્જન… બેભાનપણે નિ:શ્વાસ છોડી પ્રસાદજી કેડી પર પાછા ફર્યા.

છેક બંગલાના દરવાજા આગળ એમણે માથું ઊંચું કરીને જોયું – અને જોયું તો વજેસંગ સામે ઊભો હતો.

‘વજેસંગ!’ કહેતાં પ્રસાદજી ટટ્ટાર થઈ ગયા. એમની આંખ ફરી કરડી બની. ‘તું કહેતો હતો ને કે કસ્તૂર બીમાર છે, પણ મેં તો હમણાં જ એને કરેણની વાડ પાસે જોઈ.’

‘જી, એ બીમાર છે!’

‘એટલે?’

‘જી… બીમારી જેવું જ કંઈક…’

‘હું હજીયે ન સમજ્યો!’

‘એને – કસ્તૂરને ”અડવું’ નથી!’ પોતાનો ક્ષોભ છુપાવવા વજેસંગ આડું જોઈ ખાંસી ખાઈ ગયો.

‘એમ!’ કહેતાં પ્રસાદજી બંગલાનાં પગથિયાં ચડવા લાગ્યાં. ‘મારી ભૂલ થઈ… ખરે જ કસ્તૂર હવે મોટી થઈ… ખરું ને!’ ધીરે પગથિયાં ચડતાં એમણે હૉલના બારણા આગળ ઊભા રહી પાછળ જોયું. સામે ફૂલોના વ્યવસ્થિત ક્યારા, નીલગિરિનાં ઝાડ સામેની હરિયાળી પાછળ દેખાતી ટેકરીઓ, ઉપરના આકાશમાં સુસ્ત અને ધીમું ચાલ્યા કરતાં વાદળાંઓની કંટાળાભરી ગતિ! અને કેવું વાતાવરણ! …પ્રસાદજી બંગલામાં જતા રહ્યા.

દાખલ થતાં જ મોટા ઓરડાની ઊભી છતમાંથી લટકતાં પાંચ મોટાં કાચનાં ઝુમ્મર, એની નીચે જૂની ઢબનું સીસમના લાકડાનું કોતરકામવાળું ફર્નિચર. એક મોટું ગોળ ટેબલ, સોફા, ખુરશીઓ, ખૂણામાંના બે કબાટ, બારીઓ આડે લાલ રેશમના પડદા, ચિનાઈ કૂંડામાંના નાનકડાં વિવિધ ફૂલોના છોડવા… એ મોટા ઓરડા પાછળ ત્રણ શયનખંડ, વચમાંનો ચોક અને તેની પાછળ રસોડું, ઉપરના માળ પર એવો જ મોટો ઓરડો, બે બીજા ખંડ અને બંગલાના દરવાજા સામે એક વિશાળ ઝરૂખો – આટલી સમૃદ્ધિ અને આટલી બધી મોકળાશ વચ્ચે પ્રસાદજી વસતા, હાથે રસોઈ પકવતા અને બપોરના એકલા એકલા એક ઓરડામાંથી બીજા ઓરડામાં આંટા માર્યા કરતા. રાતના શાંત અને નીરવ ચુપકી સજીવન બનતી ત્યારે એ પોતાની હંમેશની ટેવ મુજબ નિયમસર બત્તીઓ ઓલવી બિછાનામાં પડતા. એ ગંગાપ્રસાદ તનસુખરામ… ત્રણ પેઢીઓથી સુખ અને સંપત્તિ જેમને વર્યાં હતાં… એ કુટુંબના એ છેલ્લા સંતાનહીન વારસ હતા.

છેલ્લાં પચીસેક વરસથી પ્રસાદજી એકલવાયું જીવન ગુજારી રહ્યા હતા. વીસ વરસની ઉંમરે એમનાં લગ્ન થયા બાદ બે અઠવાડિયાંમાં જ એમનાં મા ગુજરી ગયાં; અને ચાર મહિના બાદ એમનાં પત્ની માવતરે ગયાં તે કોઈ દહાડે પાછાં આવ્યાં નહીં. એનું કારણ કોઈથી કળાયું નહીં. પણ તે દિવસ અને આજની ઘડી – આ પ્રસંગ ઉપર કોઈ પાસે કશી ફરિયાદ કર્યા વિના પ્રસાદજી હિંમતભેર એકલવાયું જીવન ગુજારી રહ્યા હતા. રોજિંદા જીવનની જાગ્રત પળે સદાય કામમાં રચ્યાપચ્યા રહેવું છતાંય વ્યવસાયના આનંદથી અલગ રહીને જીવવું, સમાજની એક અતિ ઉપયોગી અને અગ્રગણ્ય વ્યક્તિમાં ખપવું, છતાં એ જ સમાજના સુખદુઃખભર્યા શ્વાસ અને નિ:શ્વાસથી ન રિઝાવું અને ન દુઃખી થવું – એવો અનાસક્ત ભાવ ધારણ કરી ફરવામાં પ્રસાદજી એક પ્રકારની મોટાઈ માનતા.

આ અરસામાં…

વજેસંગ નવ વરસની કસ્તૂરને લઈ પ્રસાદજીના ગામમાં આવી વસ્યો. કસ્તૂર છેક ત્રણ વરસની હતી, ત્યારે એની મા મરી ગઈ અને વજેસંગે એને ઉછેરીને મોટી કરી.

પ્રસાદજીના ગામમાં વજેસંગ અને કસ્તૂર નવી જ ઢબે રહેવા લાગ્યાં હતાં. વજેસંગ ખેતરોમાં મજૂરી કરતો; ખેપિયો થઈ ગાઉના ગાઉ દોડતો અથવા ચોકિયાત બની કોઈનો ઢોરવાડો આખી રાત જાગીને સંભાળતો અને કસ્તૂર એના નાનકડા પડછાયા જેવી એની પાછળ પાછળ ભમતી. ખેતરોમાં એ નાજુક પતંગિયું બની લહેરાતી ઊડતી, તો કોઈ વાર સવાર અને સાંજ વચ્ચે એના બાપ સાથે દસ–બાર ગાઉની મજલ કાપી આવતી!

કોઈ અંધારી વાદળઘેરી રાત હોય, પેલી ટેકરી પાછળના ગીચ જંગલમાં દીપડાઓ ગર્જતા હોય, શિયાળવાં રડતાં હોય ત્યારે વંડાની કોટડીના ખૂણામાં એક તાપણી આગળ ધાબળી ઓઢી કસ્તૂર ઝીણી ઝીણી ડાંખળીઓ તાપણીના અંગારામાં નાખતી. અને અનિમેષ નેત્રે ભભકતી જ્વાળાઓ તરફ જોતી, ઝોકું ખાઈ સૂઈ જતી! ત્યારે વજેસંગ ખભે બંદૂક, હાથમાં કડિયાળી અને ભેટમાં કટારી ઘાલી ઢોરોની ચોકી કરતો.

મોત સાથે સોબત કરવી પડે એવી બેફામ અને લાપરવા જુવાની વજેસંગે જંગલમાં વિતાવી હતી. માઝા મૂકતી, ઘૂઘવતી, વહેતી નદીઓમાં ટેકરીઓના માથાડૂબ ઘાસપાથર્યા ઢોળાવમાં અને અંધારાંને ઓથમાં સાચવતી ગીચ ઝાડીઓમાં ચૂપકીથી રાહ જોતા મોતનો અનેક વાર ભેટો કરી વજેસંગે પોતાની માણસાઈ ખીલવી હતી. ડુંગરાની ધાર જેવી વિશાળ છાતી, પર્વતના શિખર જેવી માથાને ધારણ કરાવતી ગુમાનભરી અદા, થાપ ન ખાય એવી બાજ જેવી નિશ્ચિંત અને ચકોર નજર. જગતના જીવતા જીવો તરફ નિષ્પાપ અને બાલિશ નજર ફેંકતો વજેસંગ આજની મજા આજે જ માણતો. આવતી કાલ કપરી આવે તો તેને પહોંચી વળવાની પોતાની તાકાતમાં એને પૂરો વિશ્વાસ હતો.

એક સમીસાંજે ટેકરીનો ઢોળાવ ઊતરતાં, વજેસંગની બાજુમાં લપાતી અને શેરડી ચાવતી કસ્તૂરને પ્રસાદજીએ ધારીને જોઈ.

‘છોડી ફૂટડી છે!’ એમણે વજેસંગને કહ્યું.

વજેસંગે હસીને ઉત્તર વાળ્યો : ‘જેવી છે તેવી, શેઠજી, એ છે એટલે ઘર છે. એ ન હોય તો હું પણ ન હોઉં અને ઘર પણ ન હોય!’

‘ઘર?’ પ્રસાદજીએ હસીને, સિફતથી પોતાની બેચેની છુપાવી. ‘હેં છોડી તારું નામ શું?’

‘કસ્તૂર.’

‘પેલું ઝૂંપડું એ તારું ઘર છે, ખરું?’

‘હં!’ કહેતી શેરડીનું છોતું મોઢામાંથી કાઢ્યું અને પ્રસાદજી તરફ તાકીને જોઈ રહેતાં પૂછ્યું : ‘કેમ?’

‘અરે, કેમ શું? આવ મારી સાથે, ઘર કેવું હોય તે બતાવું.’ તે સાંજે પહેલી જ વાર પ્રસાદજી વજેસંગ અને કસ્તૂરને પોતાને ઘેર લઈ ગયા.

બીજા દિવસથી પ્રસાદજીએ વજેસંગને પોતાની કાયમી નોકરીમાં રાખી લીધો. અને તે દિવસથી કસ્તૂર સવારસાંજ પ્રસાદજીને બંગલે પૂજાનાં ફૂલ પહોંચાડતી થઈ ગઈ અને સવાર અને સાંજ પ્રસાદજી વહાલથી કસ્તૂરને બોલાવતા અને હસી હસીને એની સાથે વાતો કરતા.

પ્રસાદજીના સૂના સૂના બંગલાને કસ્તૂર ગજવવા લાગી.

‘તને કેટલી વાર કહ્યું છે કસ્તૂર, કે તારે રસોડામાં ન જવું, ગંદા ધૂળવાળા પગ લઈ સોફા પર બેસવું નહીં. તું કોઈનું કહ્યું માનતી જ નથી, કેમ?’ ઘણી વાર પ્રસાદજી કસ્તૂરને મીઠો ઠપકો આપતા.

‘નહીં માનું જાઓ, હું મારે ફાવે તેમ કરીશ!’

‘આવું બોલાય કે!’ પ્રસાદજી ગુસ્સે થયાનો દેખાવ કરતા ત્યારે માથું એક બાજુ નમાવી પેલાં મોટાં હરણ જેવાં નેત્રોથી એકીટશે એની સામે જોઈ રહેતાં. કસ્તૂર હાથની કોણીઓ પેટમાં દબાવી વાંકું વળી જોરથી હસી પડતી અને કહેતી : ‘અમે તો બોલીએ પણ, વળી?’ અને ફૂદડીઓ લેતી, નયનો નચાવતી, અચાનક અંદર આવી પડેલું પતંગિયું બારી વાટે બહાર ઊડી જાય એમ એ ઓરડા બહાર દોડી જતી!

લાંબા રખોપા અને મોટી મહેનત પછી આંબાનું ઝાડ પહેલી વાર મોર ખીલવે એમ કસ્તૂર હવે (શાસ્ત્રોમાં જેનાં વખાણ લખ્યાં છે એવી) સ્ત્રી બની હતી; એવું પ્રસાદજીને આજે ઓચિંતાનું ભાન થયું.

ઊઘડતા પ્રભાતની ખુશનુમા હવા વચ્ચે, લીમડા અને વડની ફરતી ઘૂમરી લેતાં ઝાકળનાં વાદળાં નીચે, મોહિનીના અવતાર જેવી કસ્તૂરની ઉન્માદભરી અદા જોઈ પ્રસાદજી અકળાઈ, મૂંઝાઈ ગયા હતા. એ ગૂંગળામણ હજી ટળી નહોતી. પ્રસાદજી સોફા ઉપરથી ખુરશી પર અને ખુરશી પરથી પલંગ પર અને ત્યાંથી ઊઠી ઝરૂખામાં આવી ઊભા.

‘કસ્તૂરને હવે ઠેકાણે પાડવી પડશે’ એવું મનમાં કહેતા, સામેની ટેકરીઓના હરિયાળા ઢોળાવ પર એમની નજરને ગુમાવા દઈ, લાંબા સમય પછી પ્રસાદજીએ સ્વસ્થતા મેળવી.

આ બનાવ ઉપર એક અઠવાડિયું ફૂંકાઈ ગયું.

શુક્રવારની રાતના પ્રસાદજીએ વજેસંગને પોતાને બંગલે બોલાવી પોતાની યોજના રજૂ કરતાં, કસ્તૂરને ક્યાં, ક્યારે એને કોની સાથે પરણાવવી એની વિગતવાર વાત કહી.

‘નરપત સાથે?’ વજેસંગે પૂછ્યું.

‘કેમ નરપત શું ખોટો છે?’

‘…ના, ના… ખોટો નથી!’

‘ત્યારે?’

‘કંઈ નહીં… કસ્તૂરને ઠેકાણે પાડવાની તમે ચિંતા સેવો એટલી મોટાઈ, પણ…’ કહેતાં વજેસંગ કઠેકાણાનું હસ્યો. ‘હું એટલું સમજું કે કસ્તૂર પરણીને જે ગામમાં રહે ત્યાં હું રહું. એને મારી આંખથી અળગી હું ન કરું.’

વજેસંગ તરફ જોતાં પ્રસાદજીના મોઢા પર હંમેશ તંગ રહેતી કડવી રેખાઓ ઢીલી થવા લાગી :

‘પણ નરપત આ ગામ છોડી બીજે ક્યાં જવાનો હતો? એ તો મારો નોકર છે ને?’

‘હા.’ કહેતો વજેસંગ પોતાના વ્યક્તિત્વને ન છાજે એવી રીતે ગંભીર બની ગયો.

‘તોય એને એટલું કહી દેજો કે કસ્તૂરને કોઈ કાળે હું મારી નજરથી દૂર નહીં કરું!’

ગાદી-તકિયે બેઠેલા પ્રસાદજીની બાજુની પેટી પર પડેલા બે ‘કૅન્ડલ લૅમ્પ’નો પ્રકાશ સામે ગાલીચા પર બેઠેલા વજેસંગ પર રેલાઈ રહ્યો હતો. એવે રાતને ટાણે વજેસંગનો પડછાયો ગાલીચા પર લંબાતો છેક ઊમરા સુધી પહોંચી ગયો હતો. એ પડછાયા પાછળ દોડતી પ્રસાદજીની નજર બહારના ચુપકીભર્યા વાતાવરણમાં વીખરાઈ ગઈ – ગુમાઈ ગઈ, દર્શનહીન બની ગઈ!

એક મહિનો રહીને નોરતાં આવ્યાં. પ્રસાદજી બીમાર પડ્યા – અસ્વસ્થ રહેવા લાગ્યા. નરપતને કપાસ અને મગફળીના વેચાણ માટે બહાર જવું પડ્યું… અને એમ કરતાં એક વરસ વીતી ગયું… અને પેલી ખુરશી પરથી ઊભા થતાં પ્રસાદજીએ નિર્ણય કર્યો. ત્યાર બાદ પાકા દોઢ વરસે એમણે કસ્તૂરને નરપત સાથે પરણાવી.

લગ્નને બીજે દિવસે પ્રસાદજીએ નરપતને બંગલે બોલાવ્યો. પોતાના મોઢા ઉપરના કોઈ ભાવો બદલ્યા વગર પૂરી ગંભીરતાથી પ્રસાદજીએ વાત કરી : ‘નરપત, તારા બાપે એની આખી જિંદગી આ બંગલે નોકરી કરીને વિતાવી છે, મરકીમાં તારી મા અને તારો બાપ એક જ દહાડે ગુજરી ગયાં, ત્યારે તું છેક જ નાનો હતો. અને આ જ કુટુંબે આ જ બંગલામાં તને ઉછેરીને મોટો કર્યો છે. તારાં લગ્ન કરાવી આપી આ કુટુંબની છેલ્લી ફરજ મેં બજાવી છે… ના… ના… વચ્ચે બોલીશ નહીં…! મેં તારે માટે બીજી પણ એક સગવડ કરી રાખી છે. નદીની ભેખડ પરની આપણી વાડી છે ને એનો ડેલો સારો સ્વચ્છ છે. એ ડેલા પર એક નાનકડી બંગલી છે. મેં તે ખાલી કરી રખાવી છે અને હવેથી તું ત્યાં રહેવા જજે. વધારાનું રાચરચીલું કંઈ જોઈએ તો તે માટેના પૈસા હમણાં તું તારે ખાતે લખી મારી પાસેથી ઉપાડજે, સમજ્યો?’

‘શેઠજી, આ ઉપકાર…’ કહેતો નરપત પ્રસાદજીને પગે પડવા જતો હતો તેને તેમણે ઊભા થઈને ખભો પકડીને રોક્યો.

‘રહેવા દે– રહેવા દે–જા. હવે! મારો પૂજાનો સમય થયો.’

કસ્તૂરના વિવાહ બાદ વિવિધ ઋતુઓના વિવિધ રંગ અને સુગંધના મિજાજની સવારી પસાર થઈ ગઈ!

એકેએક ઋતુ એક નવો ઓપ કસ્તૂરની જુવાની પર ચડાવતી ગઈ. એના ઘરની બાજુમાંથી વહેતી નદી, સામે પારના કાંઠાની ટેકરીઓના ઢોળાવ પરની વનરાજી, ઘર-આંગણામાં ઝૂલતાં મોટાં વૃક્ષો, કૂવા આગળના ફૂલ-ક્યારાઓ, સવારે અને સાંજે લપડાક મારીને અડપલાં કરતી પવનની લહેરીઓમાં કલ્લોલતાં પક્ષીઓ… એ બધાંને અડી જતી, કોઈક વાર એ બધાંને પોતાની ઉન્માદભરી લાગણીઓમાં સમાવી દેતી કસ્તૂરની જુવાની દિવસે દિવસે વધારે મસ્ત અને વધારે બેકાબૂ થવા મથતી હતી.

એક સાંજે પ્રસાદજી એમના સફેદ ઘોડા પર ટેકરીનો ઢોળાવ ઊતરી રહ્યા હતા ત્યારે એમણે નદીકિનારે કસ્તૂરને એક મોટા પથ્થર પાછળથી હળવે પગલે ઓઢણીનો છેડો કમરમાં ખોસતી અને પાટલી વાળતી આગળ આવતી જોઈ. એનાં વિહ્વળ નયનોનાં તેજ અત્યારે આથમતી સંધ્યા બની ઢળી પડ્યાં હતાં. વીખરાયેલા વાળની લટો ફાવે તેમ હવામાં ઊડી રહી હતી. એના બાહુઓની ક્રિયામાં ગતિ કરતાં શિથિલતા વધારે જણાતી હતી. એ દોડતી નહોતી દેખાઈ તોય એનો શ્વાસ ભરાઈ આવ્યો હોય એમ એની હાંફતી છાતી એના કમખાને તંગ કરી રહી હતી. એ હજી દસેક ડગલાં આગળ વધી નહીં હોય ત્યાં એની પાછળ નરપત દેખાયો. એની ઝીણી ઘાટીલી આંખો બન્ને ખૂણે લાલ બની હતી, એના હોઠ ભીના અને ફૂલી ગયેલા દેખાતા હતા. એના બાહુ શિથિલ બની એને પડખે લટકી રહ્યા હતા.

એ બંનેની નજર પ્રસાદજી પર ગઈ, ત્યારે પ્રસાદજીએ ડોકું ફેરવી લીધું. લગામનો એક જબ્બર આંચકો મારી એમણે ઘોડાને મારી મૂક્યો.

રાતના વાળુ વખતે નરપતે કસ્તૂર આગળ વાત કરી :

‘શેઠજી આપણને જોઈ ગયા…’

‘અહં… હં… હં…’ કહેતી કસ્તૂર હસી પડી; એના હાથમાંનો કઢીનો વાટકો છલકાઈ ગયો.

‘એમ! હવે બીજી વાર શેઠજીની સંભાળ રાખીશું, એથી નજરે જ ન પડીએ ને!’ કહેતી કસ્તૂરે પોતાની નાજુક હડપચી ઘૂંટણ પર ટેકવી પોતાનું બધું જ વહાલ નજર મારફત નરપત પર ઢાળ્યું.

‘ના, એમ નહીં!’ કહેતાં નરપતે ઊંચું જોયું. એનો ચહેરો ગંભીર બની ગયો હતો.

‘ખુલ્લાં મેદાનોમાં તને… ના, ના… આ ઘેલછા હવે તારે છોડવી જોઈએ… શું?’

કસ્તૂરે શરમથી બે ઘૂંટણ વચ્ચે માથું સંતાડ્યું!

રોજ સાંજે ફરીને પાછા વળતાં કસ્તૂરની ખબર કાઢવાનો પ્રસાદજીએ વ્યવસાય બનાવી મૂક્યો હતો. આથમવાની તૈયારી કરતો સૂર્ય ક્ષિતિજને ચુંબન લે એવે સમયે એ આવી પહોંચતા. ‘સારું છે!’ એવો જવાબ કસ્તૂર પાસેથી મળે નહીં ત્યાં સુધી પ્રસાદજીનો સફેદ ઘોડો ત્યાંથી ખસતો નહીં. ડેલાના દરવાજામાં મંડાઈ ગયેલી પ્રસાદજીની આંખો બહાર નીકળી કસ્તૂરની નજર સાથે અફળાતાં તરત જ ઢળી પડતી અથવા એમનું મોઢું બાજુમાં ફરી જતું. સભ્યતા, શિષ્ટાચાર અને વાલીપણાના સંતોષ ખાતર પ્રસાદજી ‘સારું છે!’ એટલું સાંભળીને જતા રહેતા.

પણ પ્રસાદજીની અને કસ્તૂરની આંખો અથડાતી ત્યારે ઘડી એકના અંશ માટે કસ્તૂરનાં ગાત્ર શિથિલ થઈ જતાં.

આ બાજુ પ્રસાદજીનો ઘોડો વાડી બહાર દોડી જતો; બીજી બાજુ ખીચડીનું આંધણ મૂકતી કે કઢી વઘારતી વિહ્વળ બની ગયેલી કસ્તૂરથી કોઈ ને કોઈ ભૂલ થઈ જતી.

હાથમાં જે કંઈ હોય તે – કડછીસાણસીનો એ રોષથી ફાવે ત્યાં ઘા કરતી. મોટા રાંધણિયાથી ચારે દીવાલો, છત અને ભોંય, બધી દિશામાંથી એની પર ભીંસાતાં એ અનુભવતી. આટલો ઉકળાટ, આટલી વિહ્વળતા, આટલી બેચેની… છિન્નભિન્ન થઈ ગયાની આટલી સભાનતા, ઘડીના અમુક અંશ દરમિયાન જન્મી પડતો આ અનુભવ!

રોજ ને રોજ એ જ સુરીલી સંધ્યા, એ જ ઘોડેસવાર, એ જ પ્રશ્ન, એ જ જવાબ, એ જ આંખોની અથડામણ અને એ જ ઉલ્કાપાત. બસ આટલું જ… આટલું જ. અને આટલાથી ઉન્મત્ત લાગણીઓ દોડી આવતી અને એ સીમાડાની દીવાલ સાથે અફળાઈ છિન્નભિન્ન થઈ જતી!

અને દરરોજ અંધારું થઈ ગયા પછી વજેસંગ કસ્તૂરની ખબર પૂછવા આવતો, ડેલા બહાર ખાટલો ઢાળી બેસતો. બેસી જ રહેતો. એને કોઈ બોલાવે નહીં, તો પોતાની મેળે ભાગ્યે જ એને કંઈ બોલવાનું હોય! ડેલાનાં કમાડ આગળ કંતાનની ખુરશી પર પડ્યે પડ્યે નરપત એને જોઈ રહેતો. કસ્તૂર કામમાંથી પરવારી બાપ આગળ… એની અડોઅડ ખાટલે બેસતી અને બાપ–દીકરી વાતે ચડતાં, ઘણી વાર નરપતની હાજરી ભૂલી જતાં!

રાત્રિનાં અંધારાં ઠલવાયાં હોય અને બધે જ ચુપકી ફરી વળી હોય ત્યારે ઉપરના અવાક્ તારાઓ જેવો નરપત એમની જેમ જ વારેઘડીએ આંખોની મીટ મારતો ચુપચાપ બેસી રહેતો. સારાયે દિવસમાં ઢસરડામાંથી ફક્ત બેત્રણ કલાક મળતી ફુરસદ દરમિયાન એની જુવાનીને વ્યવસાયહીન અને કંટાળાભરી કલ્પનાઓમાં ફરજિયાત ટહેલવું પડતું!

રાત્રે દસ વાગ્યે પ્રસાદજીને ત્યાં હિસાબ આપવા અને ચોપડા લખવા એને જવું પડતું.

‘અરધી રાતના, રોજ ને રોજ એવું શું કામ તમારા વગર અટકી પડ્યું છે?’ કસ્તૂર રોષથી પૂછતી.

‘એય કામ કરવું પડે… નોકરી મંડાવી છે, કંઈ રમત વાત નથી! પણ…’

‘પણ શું?’

‘કંઈ નહીં!’ કહેતાં જમણા પગના અંગૂઠાથી નરપત બેસતો એ ખાટલાને ઊંચો કરી, હાથથી કઢંગી રીતે ઊંચકી એને ઓટલાની બાજુમાં ફેંકતો.

કસ્તૂર આ બળાપો ન સમજે એટલી ભોટ નહોતી. ‘એમ કે?’ એનાથી બોલાઈ જવાતું.

કોઈ વાર બંને એ વાત હસીને ભૂલી જાતાં, તો કોઈ વાર રોષમાં બંને છૂટાં પડતાં.

અને એમ એ બંનેની જુવાની બેફામ મસ્તીથી થાકી જતી – લોથ થઈ જતી… લાગણીઓનાં પૂરથી ઊભરાતી જીવનની મજલ કાપ્યે જતી હતી!

રાતે ચોપડા લખતી વખતે પ્રસાદજી સિફતથી નરપત પાસેથી એના રોજિંદા જીવનની નાની નાની વિગતો કઢાવતા. કસ્તૂર વિશે કોઈ એવી વિગત નહોતી કે જે એ નહીં જાણતા હોય. નરપત અને કસ્તૂરનું દાંપત્યજીવન ક્યાં સુખદ રીતે ભેગું થતું અને ક્યાં અથડાતું તેની નોંધ પ્રસાદજી પાસે હોય જ.

કોઈક સાંજના એની ખબર પૂછ્યા પછી આગલા દિવસના બનાવનું આડકતરું સૂચન કરતાં પ્રસાદજી કોઈક વાર કસ્તૂરને મીઠો ઠપકો આપવાનું ભૂલતા નહીં.

‘હાય હાય! આ આપણે ઘરમાં રહીએ છીએ કે ગામના ચોરામાં!’

‘કેમ?’ નરપત આશ્ચર્યથી પૂછતો.

‘કેમ શું – મારી જુવાની પર તમારા શેઠનો એટલો ચોકીપહેરો મારાથી સહેવાતો નથી!’

‘તું તો ગાંડી છો – શેઠે તો તારી સામે ઊંચી આંખે જોયું પણ નથી!’

‘તે જ તો કહું છું, કે કેમ નથી જોતા? તમારી પાસેથી વિગત મેળવે છે તે મને કાં નથી પૂછતા? તમે એમના દીકરા અને હું… એમની…’ કહેતાં કસ્તૂરનાં ગાત્ર શિથિલ થવા લાગતાં, એની હાથની આંગળીઓ કંપી રહેતી. એની આંખોમાં પેલી ઘડીના અંશનો ભય આવી બેસતો. એ જરા વધારે ઊંચા સાદે બોલતી : ‘જો જો હોં, એક દહાડો હું તમારા શેઠની વલે કરીશ! તમે બંનેએ મને નથી ઓળખી!’

શરદપૂનમની રાતના કસ્તૂર રાસડા રમીને મોડી રાતે નરપત સાથે વાડીએ પાછી ફરી રહી હતી.

મધરાત વીતી ગઈ હતી. ચુપકીના સરોવર પર ચાંદની મેઘ બનીને વરસી રહી હતી. નીરવતા પ્રશ્નો પૂછતી હોય એમ રાત્રિના અણઓળખ્યા અવાજ ચારે તરફથી આવી રહ્યા હતા. કેડી પર કસ્તૂર નરપતની અડોઅડ ચાલી રહી હતી. વડલાના અંધારામાં એ બંને પ્રવેશ્યાં, ત્યાં કસ્તૂરે ઓચિંતાના નરપતને ખભે ચૂંટિયો ખણ્યો. નરપત ઝડપથી ફર્યો અને બંને હાથમાં કસ્તૂરને ઝીલી લીધી. આ સુંદરીના ધડકતા હૃદયને પોતાની નજીક – છેક જ નજીક લાવવા એણે જોરથી એને છાતીસરસી ચાંપી. કસ્તૂરથી એક ઊનું નિ:શ્વાસભર્યું સ્મિત છેડાઈ ગયું.

ત્યાં… એવી જ ઓચિંતી ઝડપથી નરપતના હાથની પકડ છૂટી ગઈ. કસ્તૂર અતૃપ્તિનો ઢગલો બની જમીન પર ઢળી પડી.

‘શું છે પણ–?’

‘તેં સાંભળ્યું’, નરપતે ચારે તરફ જોતાં કહ્યું, ‘મેં ઘોડાના ડાબલા વાગતા સાંભળ્યા. જાણે કોઈ મારતે ઘોડે આપણી તરફ ધસી આવતું હોય!’

કસ્તૂર એક સપાટે ઊભી થઈ વડલાના અંધારા બહાર નીકળી ગઈ. નરપતે દોડી જઈને ઓઢણીનો છેડો પકડવાનું કર્યું; પણ કસ્તૂરે વાંકા વળી એની નેમ ચૂકવી : ‘હવે રહેવા દ્યો… રહેવા દ્યો…!’ કસ્તૂર રોષથી બોલી. ‘એ ઘડી તો ક્યારની વીતી ગઈ!’ એણે આગળ ચાલતાં, પોતાનો બધો અણગમો આંખમાં એકઠો કરી, વાંકા વળી નરપત તરફ જોયું અને ફરી બોલી : ‘તમે તો આકાશમાં સફેદ ઘોડા ઊડતા જોયા! એવા છો ભીરુ તમે! મોકો ન ઓળખે એ મરદ શા કામનો?’

ઘર આગળ આવતાં જ ખાટલા પર વજેસંગ બેઠેલો દેખાયો. એને જોતાં જ નરપતની આંખે લોહી ચડી આવ્યું.

‘તને તો બહુ મોડું થયું કંઈ, કસ્તૂર!’ વજેસંગે પૂછ્યું.

‘હં…’ કહેતી બાપની હાજરીની ઉમળકાભરી નોંધ લીધા વિના કસ્તૂર ડેલામાં પેઠી અને બાપ ન સાંભળે એવા ધીમા અવાજે બબડતી બોલી : ‘બધી વાતે મોડું થયું છે સ્તો!’

નરપત ખાટલા સામે ઊભો રહી વજેસંગ સામે તાકતો ઊભો; પણ વજેસંગને કશું કહેવાનું નહોતું અને નરપતને કશું પૂછવાનું નહોતું, એટલે એ પણ કસ્તૂર પાછળ ડેલામાં દાખલ થયો. અને વજેસંગને એમ જ ખાટલા પર બેઠેલો રહેવા દઈ એણે ડેલાનાં ભારે કમાડ બંધ કર્યાં. અને જોરથી ખખડાવીને અંદરથી સાંકળ મારી.

મેડી પર બિછાનામાં સૂતાં નરપતે કસ્તૂરને બાજુમાં લીધી અને પંપાળી… રાત્રિની ઘડીઓ શ્વાસ અને નિ:શ્વાસ બની ઊડવા લાગી… આટલો બધો પરિશ્રમ કોને રીઝવવા! આ પસીનો, અને… ઘડિયાળના ‘ટક્ ટક્’ સાથે હૃદયના ધબકાર લમણે વાગી રહ્યા!

શરદપૂર્ણિમાની કૌમુદી એના રૂપેરી યૌવનથી જગતને આંજી નાખવા નીકળી પડી હતી. બાજુમાં સૂતેલા નરપતની જેમ જગત પણ થાક, કચવાટ અને ચિંતાથી બેડોળ સ્વપ્નો જોતું ઊંઘમાં પડ્યું હતું. કોઈક જ ભાગ્યશાળી આ અવસરની રાહ જોતું, સદા જાગ્રત અને ધન્ય બની, વરસમાં એક જ વાર ટહેલવા નીકળતા ચાંદનીના રૂપેરી યૌવનને બારી વાટે નીરખી રહ્યું હતું!

‘આવી રાતે જુવાન હોય તેને ઊંઘ કેમ આવે?’ એવો વિચાર કરતી કસ્તૂર મેડીની બારી આગળ ઊભી હતી ત્યારે અચૂક ઘોડાના દોડવાનો અવાજ સંભળાયો. અચૂક ચોક્કસ! નદીને પેલે કાંઠે ટેકરીના ઢોળાવ પર, રૂપેરી ઘાસને ખૂંદતો સફેદ ઘોડો પસાર થઈ ગયો. એણે પેલા મોટા પથ્થર આગળ વળાંક લીધો અને ફરી ટેકરી ચડવા લાગ્યો.

દૂરની વનરાજીમાં દીપડાની ગર્જના સંભળાઈ. ઘોડાના ડાબલાનો આછો અવાજ… પછી ચુપકી ને અંતે બંદૂક ફૂટ્યાના અવાજ. નદીની ભેખડોમાં અને ટેકરીઓના ઢોળાવ પર એ અવાજ સંભળાયો. દીપડાની ગર્જના દૂર અને દૂર થતી સંભળાઈ… અને ફરી એ જ ચુપકી – જાણે અવાજ પોતે વિસ્તૃત બનતાં ચૂપ થઈ ગયો હોય એવી અકળાવે, ગૂંગળાવે એવી સર્વવ્યાપી ચુપકી! ચાંદની, યૌવન, તાકાત અને ચુપકી! કસ્તૂર એક ઊનો નિ:શ્વાસ છોડી બિછાના તરફ ફરી.

સવારના ઊઠતાંની સાથે જ કોઈ દેખીતા કારણ વગર કસ્તૂરનું મન દુભાઈ ગયું. ફક્ત આદતના જોરે એ ઘરના રોજિંદા કામમાં પરોવાઈ અને ગુમાયેલી મનોદશામાં એણે બપોર ગાળી નાખ્યા. મધ્યાહ્ન નમવા આવ્યો ત્યારે કશી જ નેમ વગર ધોવાનાં કપડાંની ગાંસડી ઉપાડી એ બહાર નીકળી.

મોટા પથ્થરને અઢેલીને બેસતાં એણે ચારે તરફ દિશાશૂન્ય નજર કરી. આખરે ટેકરીના ઢોળાવ પર વૃક્ષોના લંબાતા ઓળા પર એની નજર ઠરી ગઈ. કશુંક યાદ આવ્યું ન આવ્યું ત્યાં ઢોળાવ પરનાં અજવાળાં અને અંધારાંમાં દોડતો સફેદ ઘોડો દેખાયો. કસ્તૂર બીજો કોઈ વિચાર કર્યા વગર પાણીમાં કૂદી પડી અને તરીને પેલે કિનારે આવી બેઠી.

સફેદ ઘોડો છેક નજીક આવી પહોંચ્યો ત્યારે એ કપડાંની ગાંસડી છોડવા લાગી.

‘કસ્તૂર આ વખતે?’ પ્રસાદજીએ આગળ આવીને પૂછ્યું.

‘બીજું કંઈ કરવાનું નહોતું એટલે કપડાં ધોવા નીકળી,’ એણે પ્રસાદજી તરફ માથુંયે ઊંચું કર્યું નહીં.

‘હં!’ કહેતાં પ્રસાદજીએ ઘોડાને એડી મારી, અને જતાં જતાં પૂછતા ગયા : ‘તે આ કાંઠે કપડાં ધોવા કેમ આવી, ભલા?’ ઓઢણીને પાણીમાં ઝબોળતાં કસ્તૂરે ઝડપભેર અદાથી માથું ઊંચું કરી હસીને પાછળ જોયું. એનું હાસ્ય ખસિયાણું પડ્યું, ઘોડેસવાર ક્યાં? – કેટલોય દૂર નીકળી ગયો હતો!

સૂર્ય નમતો ગયો અને ટેકરીના ઢોળાવ પરથી લપસતાં લપસતાં એના ઓળા છેક નદીનાં પાણી સુધી આવ્યા. એવા રોજના ટાણે પ્રસાદજી પાછા ફર્યા ત્યારે કસ્તૂર કિનારે ઊભી હતી. માથાના ધોયેલા વાળને એણે હવામાં ફાવે તેમ નાચવા છૂટા મેલી દીધા હતા.

‘તું હજી ગઈ નથી?’ પ્રસાદજીએ નજીક આવતાં પૂછ્યું.

‘ના, કેમ?’

‘કેમ એટલે? મોડું નથી થતું! અંધારાં હમણાં ઊતરશે!’

‘આજે અજવાળી બીજની રાત છે!’

‘તે ચાંદનીમાં ટહેલવા નીકળવું હશે!’ પ્રસાદજી બોલ્યા, ‘મૂરખ હવે કંઈ નાની છો?’

કસ્તૂરે વાંકું ડોકું કરી પ્રસાદજી સામે જોયું અને પ્રસાદજીનાં સ્મિત કરવા જતા હોઠને એ પકડી પાડે તે પહેલાં એમનું મોઢું સખત બની બિડાઈ ગયું. પણ ઘડીના એ અંશ માટે ફરી એ ચાર આંખો અથડાઈ પડી… કસ્તૂરની આંખે, દિલે મીઠો કંપ વ્યાપી ગયો. એણે સુકાયેલાં કપડાંની ગાંસડી ઉપાડી અને બીજા હાથે ઓચિંતાની પ્રસાદજીના ઘોડાની લગામ પકડી લીધી.

‘આ શું કરે છે તું?’ પ્રસાદજીએ ચમકી ગયેલા ઘોડાને લગામ ખેંચી સ્વસ્થ કર્યો.

‘તમારી સાથે આવું છું.’ ચંદ્ર તરફ મોઢું ઉન્નત કરતા કુમુદની વિહ્વળતાથી એણે પ્રસાદજી તરફ જોયું.

‘છીછરા પાણીમાં તારે નદી પાર કરવી છે, કેમ?– પણ એ કેટલું લાંબું પડશે તને!’

‘છો પડે… મારે શી ઉતાવળ છે? અને મારે ક્યાં કોઈ વેપારમાં ખોટ જવાની છે? ખોટનો વેપલો કરતીયે નથી!’ પ્રસાદજી સામે ઊંચું જોઈ રહેતાં એણે માથાને એક તરફ નમાવ્યું અને એ અદામાં સ્થિર થઈ એણે ધીરે રહીને પોતાના હોઠ ખોલ્યા. બાળક જન્મે તેમ એક સુંદર સ્મિત જન્મ્યું, અને પ્રસાદજી તરફ વળ્યું. બેભાનપણે ઘોડાની લગામ ખેંચતાં એ પ્રસાદજીની છેક નજીક જઈ પહોંચી. એવું વાંકું રહી ગયેલું મોઢું, પરાગ ફોરતું લજ્જાભર્યું સ્મિત, એ અંગમરોડ અને એની એ સમયની ઉગ્ર ભાવનાશીલતા… અને… એ વખતે સંધ્યા રંગો ભેગા થતા હતા. બાજુમાં વહેતી નદી કવિતા બોલી રહી હતી અને ટેકરીના ઢોળાવ પર પથરાતાં અંધારામાં અવાજની અપ્સરાઓ રમવા ઊતરી પડી હતી.

આ બનાવને એક અઠવાડિયું વીતી ગયું. અને એ દિવસથી પ્રસાદજીએ સાંજે ફરવાનું છોડ્યું. આઠ દિવસથી એમણે કસ્તૂરની રૂબરૂ ખબરેય કાઢી નહોતી.

‘શેઠજીની તબિયત સારી લાગતી નથી.’ એક દહાડો નરપતે કસ્તૂર પાસે વાત કરી.

રોટલા ટીપતાં ટીપતાં પોતાના વિચારોમાં ડૂબી ગયેલી કસ્તૂરે ઊંચે જોઈ બેભાનપણે ‘હેં?’ કહ્યું. નરપતે બીજી વાર શેઠજીની તબિયતની વાત કરી, ત્યારે કસ્તૂરથી ટિપાતા રોટલા પર વધારે ભાર દેવાઈ ગયો : ‘એમ કે?’ કહીને એણે વાત ઉડાડવાનું કર્યું, પણ નીચે રોટલા તરફ નજર કરતાં એની આંખે અંધારાં આવ્યાં અને એ દિવાસ્વપ્નના ધુમ્મસ વચ્ચે એણે સફેદ ઘોડો દોડતો જોયો.

બીજે જ દિવસે શહેરથી એક ડૉક્ટર બોલાવવામાં આવ્યો અને એ જ અઠવાડિયાને અંતે વકીલો પણ શેઠની મુલાકાત લઈ ગયા. શેઠ પોતાનું વસિયતનામું ઘડવાની તૈયારી કરી રહ્યા. પ્રસાદજી પોતાની જવાબદારીઓ સંકેલી રહ્યા હતા. સ્થાવર મિલકતની મુલવણી એમણે પૂરી કરી. અને વધારાની જંગમ મિલકતનું વેચાણ એમણે શરૂ કર્યું હતું, એટલે નરપત છેલ્લાં બે અઠવાડિયાંમાંથી મગફળી અને કપાસના સોદા પાકા કરવા શહેરમાં રોકાઈ ગયો હતો અને પ્રસાદજીનાં ચાળીસેક ઢોરને ખરીદી લેનારને ત્યાં એ ઢોર પહોંચાડવા વજેસંગ પણ છેલ્લા બે દિવસથી આ ગામ છોડી જતો રહ્યો હતો.

જીવનમાં પહેલી જ વાર કસ્તૂર એકલી પડી. એના ફૂલતા-ફાલતા યૌવન પર મીટ માંડનાર અત્યારે કોઈ પુરુષ હાજર નહોતો. આટલી મોટી દુનિયાના આટલા બધા વિવિધરંગી મિજાજો, એ ઉષ્મા અને એની બેકાબૂ વિહ્વળતાભરી જુવાની તો એકે દિવસ એળે જાય એ કસ્તૂરને નહોતું ગમતું!

જેની લાગણીઓએ કોઈ દહાડો ફુરસદ નહોતી અનુભવી તેને સમયના કંટાળાભર્યા પ્રવાસ પર નિર્જીવ બની ઢસડાવું પડ્યું અને એમ કસ્તૂરના પાંચ દિવસ વીતી ગયા.

વૈશાખના ખરા બપોર હતા. સવારના ગામમાં ગયેલી કસ્તૂર વાડીએ પાછી ફરી રહી હતી. સૂર્ય નિષ્ઠુર બની ધરતીને તપાવી રહ્યો હતો. તરુવરો સુસ્ત બની બપોરની ઊંઘ લઈ રહ્યાં હતાં. ભાગ્યે જ કોઈ પક્ષી કલ્લોલતું સંભળાતું. એવે સમયે તળાવ આગળથી પસાર થતાં કસ્તૂરને વિચાર આવ્યો. વિચાર આવતાંની સાથે જ એ દોડીને તળાવની પાળ પર ચડી ગઈ. એ ઊંચાઈએથી એણે ચારે તરફ નજર કરી, તો કોઈ જીવતો જીવ નજરે પડ્યો નહીં. એણે તળાવના પાણીમાં જોયું.

ચારેબાજુથી તરુવરો પાણીને ઘેરીને ઊભાં હતાં. પવનની લહરી વિનાના આવા સ્તબ્ધ મધ્યાહ્ને તળાવનાં વારિ દર્પણ બની ગયાં હતાં. એમાં વૈશાખના આકાશની તેજસ્વી રંગહીનતા ડોકિયું કરી રહી હતી. કસ્તૂરે નીચે ઊતરીને તળાવનાં શીતળ વારિમાં પગના પહોંચા બોળ્યા. હાશ! કેવો મધુર સ્પર્શ! અને એ સ્પર્શના અનુભવે ભાન ભૂલી અવશ થઈ ગયાનો ભાવ એના ચહેરા પર મંડાઈ ગયો. એણે ફરી એક વાર ભીરુ હરિણીની જેમ પાછળ જોયું, પછી બેબાકળી ઉતાવળથી બધાં કપડાં ઉતારી પોતાને ઘેરી ઊભેલી પ્રકૃતિના જેવી જ વસ્ત્રહીન એ તળાવના પાણીમાં કૂદી પડી. હંસ અને સારસ સફાઈથી પાણીની સપાટી કાપે એમ પ્રયત્ન વગર એ ઊંડા પાણીમાં પહોંચી ગઈ.

ત્યાં સ્થિર બની એણે આ વખતે સુખ અને સંતોષથી ચારે તરફ નિહાળ્યું. અને બધી બાજુથી ઘેરી ઊભેલી પ્રકૃતિના અંશે અંશે એની હાજરીની નોંધ લીધી હતી. પ્રકૃતિ આશ્ચર્યમુગ્ધ બની, મોહ પામી, શાન્ત અને નીરવ એને જોઈ રહી હતી… પોતાનાં તપ્ત અંગોને આલિંગન આપી રહેલાં પાણીમાં કસ્તૂર મુક્ત વિહરી રહી. ઘડીઓ ઊડવા લાગી…

આટલા દિવસોમાં આજે જ પ્રસાદજી બહાર નીકળ્યા હતા અને કોટેશ્વરના મંદિરેથી પાછા ફરી રહ્યા હતા. એમના ખડતલ દેહને પણ આજે મધ્યાહ્નનો પ્રખર તાપ મૂંઝવી રહ્યો હતો. તળાવની પાળ પર ચડી એમણે વડના થડ આગળ છાંયડામાં વિસામો લેવાનું મન કર્યું. ત્યાં એમની નજર પાણીમાં તરતી કસ્તૂર પર પડી.

એક ક્ષણ તો એમનો દેહ આંચકો ખાઈ ગયો. એમની લાગણીઓ પર ઓચિંતાનો જબરો હુમલો થતાં… એના ઉપરાઉપરી પડતા ઘા નીચે પ્રસાદજી અકળાઈ ગયા… એમને થયું કે કોઈ સ્ત્રીનો નગ્ન દેહ આટલો આહ્લાદજનક રીતે સુંદર છતાં નિર્દોષ કેમ હોઈ શકે? કસ્તૂર ખરે જ નિષ્પાપ અને નિર્દોષ હતી! પગની આંગળીઓથી તે માથા સુધી કલંક વિનાનું મૂર્તિમંત યૌવન હોય એવો એ સુંદરીનો સુંદર દેહ! જ્યાં કમળ ખીલે અને હંસ વિહાર કરે એવી તળાવની શ્વાસ થંભાવીને મૂક થઈ ગયેલી સપાટી પર કસ્તૂર રમણ કરતી, ગતિનાં ક્ષણજીવી વર્તુળો દોરી રહી હતી.

જીવનમાં પહેલી જ વાર પ્રસાદજી ક્ષોભ અને શરમ ત્યજી કસ્તૂરને એકીનજરે જોઈ રહ્યા. એમની નજરની નિષ્ઠુરતા અને ચહેરાની કડવી રેખાઓ વિલીન થઈ અને કસ્તૂર પર થંભી ગયેલી એમની દૃષ્ટિનું દર્શન વિશાળ બનતું ગયું… અને આમ વિસ્તૃત બનતાં વરસો પહેલાંની એક મીઠી યાદને અડી ગયું. ત્યારે વડના થડને અઢેલી ઊભેલા પ્રસાદજીની નજર સામે ન કસ્તૂર કે ન આ સ્થૂળ જગતનું બીજું કોઈ દર્શન અસ્તિત્વ ધરાવતું હતું… પ્રસાદજી વરસો પહેલાંની એક મીઠી યાદનું સ્વપ્ન જોઈ રહ્યા હતા… કસ્તૂર જેવી જ એક યૌવના… નવપરણેતર અને…

કસ્તૂર પાણી બહાર નીકળી કપડાં આગળ પહોંચી, ત્યાં એણે પ્રસાદજીને વડના થડ આગળથી પોતા તરફ અનિમેષ જોઈ રહેલા જોયા. એમને જોતાં જ એણે બંને બાહુઓથી પોતાની છાતી ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. અને કમરમાંથી વાંકી વળી ગઈ.

એના હૃદયમાં એક વાર ઉષ્મા જન્મી અને પછી આગ ઊઠી! જે આગ અમુક એક લાગણીને એના અવયવોના અણુએ અણુમાં ધ્રૂજતી મૂકી ગઈ. લાગણીના ઉન્મત્ત અનુભવના ભારથી એ કપડાં પહેરવાની ઉતાવળ કરવાનુંયે ભૂલી. ભીના વાળમાંથી પાણીનાં ટીપાં મોતી બનીને એના સાથળ પર ટપકી રહ્યાં. એક ક્ષણ કશો નિર્ણય ન કરી શકેલી કસ્તૂર સંકોચ અને શરમનું શિલ્પ બની ગઈ!

અંતે એણે કપડાં પહેર્યાં. ઘણીયે ઇચ્છા કરી તોય સામી છાતીએ પ્રસાદજી સામે જવાની એની હિંમત ન ચાલી. કઢંગી ઉતાવળે એ બીજી તરફથી તળાવની પાળ ચડી ગઈ. એક વાર એણે પ્રસાદજીને નીરખીને જોયા અને કપડાં મૂક્યાં હતાં, ત્યાં એના દેહ પરથી ટપકતાં પાણીનાં ટીપાંઓએ જમીન ભીંજવી હતી એ ભીના ધાબાને પણ એણે દૂરથી જોયું. પછી ચારે તરફ બેબાકળી નજર ફેરવી એ પાળ ઊતરી રસ્તા પર દોડી જવા ગઈ, ત્યાં –

‘જોયા ને શેઠજીને?’ કસ્તૂરે હેબતાઈને પાછળ જોયું તો સામેની આંબલીના થડ આગળથી વજેસંગ એને તાકીને જોઈ રહ્યો હતો. ‘જોયા ને?’ એણે કસ્તૂરને પૂછ્યું. એના પ્રશ્નમાં અને એના અવાજના પરિકંપમાં વહાલ અને સાહજિકપણાનો અભાવ હતો.

પાણીના ઢોળાવ પર ઊતરવા લાંબો થયેલો કસ્તૂરનો પગ અને ગતિ મેળવવા પાછળ નખાઈ ગયેલા અને પહોળા થયેલા એના બાહુઓ ત્યાં જ અટકી-થંભી ગયા. એના હોઠ ભય અને ક્ષોભથી કંપવા લાગ્યા. ફાટી આંખે જોતાં એ બેભાનપણે બોલી : ‘હેં! કોને?’

‘આ જો, એને!’ કહેતાં એક કાંકરો ઉપાડી વડના થડ આગળ પ્રસાદજી ઊભા હતા એમની ઉપર ફેંક્યો. આ કઢંગી પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા કસ્તૂરે રસ્તા તરફ દોટ મૂકી. ત્યાં પ્રસાદજીને એણે બોલતા સાંભળ્યા :

‘વજેસંગ, તું ક્યારે પાછો આવ્યો?’

વજેસંગને હળવે રહીને આંબલીના થડ આગળથી ઊભો થતાં કસ્તૂરે જોયો. અને પ્રસાદજી તરફ મોઢું ફેરવ્યા વગર, એમના પ્રશ્નનો કશો જવાબ આપ્યા વગર, હળવે અને ચોક્કસ પગલે વજેસંગ તળાવની પાળ ઊતરી ગયો. રસ્તા પર આવતાં એક વાર પાછળ ફરી એણે પ્રસાદજી તરફ તુચ્છ ભાવે નજર કરી. પછી ગુમાનભરી અદાથી પીઠ ફેરવી એ જતો રહ્યો. વડના થડ આગળથી પ્રસાદજીએ એક બાજુ વજેસંગને અને બીજી બાજુ કસ્તૂરને પોતાથી દૂર ચાલી જતાં જોયાં. એમનું મન ફરી અંદર પેસી ગયું! એ કડવી રેખાઓ એમના ચહેરા પર ફરી આવીને બેઠી!

બપોર અને સાંજ વીત્યાં! રાતનાં અંધારાં ઊતરવા લાગ્યાં હતાં. ક્યારેય નહીં ને આજે જ કસ્તૂરને ક્યાંક કશું ડંખી રહ્યું હતું. ઉષ્મા વગરની બેચેનીનો કસ્તૂરનો આ પહેલો અનુભવ હતો. એકલી અને આધાર વિનાની કસ્તૂરે ચારે તરફથી દુનિયાને દૂર ભાગી જતી અનુભવી! મૂંઝવણ, ઠંડી, બેચેની, એકલવાયાપણું – એ બધા ભાવોમાં સર્વસામાન્ય ભયની લાગણીએ સીમા ઓળંગી ત્યારે કસ્તૂર ઉતાવળે ડેલાને તાળું મારી, ચાવી કમર પાસે ખોસતાં, દોડતી વાડી બહાર નીકળી ગઈ. અને કેડી પર એકશ્વાસે એ દોડવા લાગી. અંધારી રાતની ચારે દિશાઓ સીમાહીન બની ગઈ હતી. બાજુમાં વહેતી નદીનું ધીરું ગુંજન સંભળાતું ન હોત તો બાકીનું જગત મૃતપ્રાય હોય એવું ચૂપ હતું.

લાગણીઓની અતિશયતાથી ધ્રૂજતી અને શ્રમથી હાંફતી કસ્તૂર બાપના ઝૂંપડા આગળ આવી પહોંચી, ત્યારે એને ગળે ટૂંપો આવ્યા જેવું કંઈક થયું. હળવે પગલે ઝૂંપડાનો ઓટલો ચડી કમાડ આગળ એ આવી ઊભી. કસ્તૂર જમણા હાથના અંગૂઠાથી કમાડને ધકેલીને અંદર દાખલ થઈ. વજેસંગ ઘરમાં નહોતો અને એકધારું બળ્યા કરતા એરંડિયાના દીવા સિવાય આ ઘરની બીજી કોઈ વસ્તુમાં પ્રાણ નહોતો.

પાણીનું માટલું ઊંધું વળેલું પડ્યું હતું. ચૂલો લીપેલો હતો અને માંય ખાક નહોતી. ગાદલાં–ગોદડાં ખૂણામાં ગોઠવાયેલાં પડ્યાં હતાં. એમની ઉપર ધૂળ ચડી ગઈ હતી. પણ ખીંટીએ પડી રહેતી વજેસંગની બંદૂક ત્યાં નહોતી અને ગોખલામાં એની કટારીયે નહોતી. કસ્તૂરે દીવો ઊંચો કરીને જોયું તો ત્યાં પડેલી ધૂળમાં, કટારી ઊંચકનાર હાથની આંગળીઓના તાજા જ લિસોટા પડેલા દેખાયા. દીવાને ત્યાં જ જમીન પર મૂકી કસ્તૂર બંને હાથમાં માથું ઘાલી છૂટથી રડી પડી. કેટલાય દિવસથી વાસીદું ન કાઢેલ જમીન પર ડૂસકે ડૂસકે એ રડવા લાગી.

રાત આગળ વધવા લાગી તોય કસ્તૂરે ગુમાવેલી સ્વસ્થતા પાછી ન મેળવી. એનું મન અંદરનું અંદર મૂંઝાયા–ચીમળાયા કરતું હતું અને એના હૃદયમાંથી ઊંડે ઊંડે ખૂન વહ્યા કરતું એને લાગ્યું. રડી રડીને થાકી ત્યારે એ બારણાંને અઢેલી બેસી રહી. ઉપર વૈશાખના આભની અસંખ્ય આંખો એના પર મંડાઈ ગઈ હતી. એમની નજર ચૂકવી એ ફક્ત દૂરના જંગલના અંધારાંમાં જોઈ રહી. બાજુના વાડામાં કોઈ બકરું બોલતું, કોઈ ભેંસ ભાંભરતી અને દૂરથી શિયાળવાં રડવાનો ક્યારેક અવાજ આવતો. ન કળાય એવી મૂંઝવણને ગોથે ચડી ગયેલું કસ્તૂરનું મન, હૃદયને એકેક ધબકારે આંસુઓ ટપકાવી રહ્યું હતું.

મોડી રાતે વજેસંગ પાછો ફર્યો. એણે કસ્તૂરને જોઈ હશે પણ એની હાજરીની નોંધ લીધા વિના, એના પગને ઠોકરે મારતો એ ઝૂંપડામાં દાખલ થયો. એણે ખીંટીએ બંદૂક ભેરવી અને કમરેથી કટાર ખેંચી કાઢતાં ગોખલામાં ફેંકી.

‘શેઠજી મરી ગયા!’ કહેતાં એ ગાદલાને અઢેલીને બેઠો. કસ્તૂર એક કૂદકે ઊભી થઈ ગઈ. એણે ખીંટીએથી બંદૂક ઉતારી તપાસી જોઈ. એમાંની એકે કારતૂસ વપરાયેલી જણાઈ નહીં. ગોખલામાંની કટારી ખોલીને જોઈ તો એની ધાર પરનું તેલ પણ લુછાયું નહોતું.

‘હં!’ કહેતાં કસ્તૂરે હળવો ધીમો છુટકારાનો શ્વાસ છોડ્યો. ધીમે રહીને કમાડ આગળ બેસતાં એના ચહેરા પર સંતોષ ફરી વળ્યો. એના હોઠ પર એક નાનકડું સ્મિત બે-ચાર ફૂદડીઓ ફરી જતું રહ્યું.

‘શું કહ્યું તમે?’ કસ્તૂરે નિરાંતથી પૂછતાં ક્ષણભર આંખો મીંચી.

‘કે… કે શેઠજી,’ ઉશ્કેરાયેલો વજેસંગ ઝડપથી ઊભો થયો. ‘શેઠજી મને થાપ ખવડાવી ગયા.’ મુઠ્ઠીઓ વાળી એણે બંને હાથ ઊંચા કર્યા. ‘મને – વજેસંગને થાપ ખવડાવી ગયા, સમજી?’

નાનકડા ઓરડામાં ચક્કર ચક્કર ફરતાં અને કસ્તૂર તરફ ફાટી આંખે જોઈ રહેતાં એણે કહ્યું : ‘હું એમને આખડું તે પહેલાં એ નહોતા – તારો નરપત હમણાં જ બહારથી આવ્યો તે એની પાસે બેઠો છે, કહે છે કે કુદરતી રીતે એમનું હૃદય બંધ પડી ગયું! હં!! કુદરતી મોત… કુદરતી-અમસ્તું જ!’ વ્યંગ અને તિરસ્કારમાં એણે નીચે જોયું, અને કસ્તૂર ફરતાં એણે બૂમ મારી : ‘હટ જા… ખસ અહીંથી!’ વજેસંગે દીવાને લાત મારી એટલે બહારનું અંધારું આ લાગ જોઈ અંદર ધસી આવ્યું.

‘ખસ… હટ, જાય છે કે નહીં?’ કહેતાં એણે કસ્તૂરને કમરમાંથી પકડી અધ્ધર ઊંચકી લીધી અને ઝૂંપડાના દરવાજામાંથી બહાર ઓટલા પર ફેંકી અંદરથી દરવાજાને બંધ કરી દીધો.

ઉંબરા પર ઠોકરાતી, ઓટલા પરથી ગબડતી કસ્તૂર નીચેની માટીવાળી ધૂળમાં પડી અને ત્યાં જ પડી રહી. એમ પડ્યા પડ્યા થોડો સમય વીત્યો ત્યારે એના મનની મૂંઝવણ અને હૃદયનું દુઃખ જતાં રહ્યાં. પેલી ઉષ્માભરી, વિહ્વળ બનાવતી આહ્લાદજનક બેચેની પાછી ફરી. એના અંગો પર મદભર્યું આળસ ઊતરી પડ્યું. હળવે રહીને એણે ધૂળમાં પડખું ફેરવ્યું તો એની નજર પર અંધારી રાતના આકાશનું દર્શન ઊતરી પડ્યું. અસંખ્ય તારાઓની વહાલભરી મીટ એના પર મંડાઈ ગઈ.

ભીની તાજી હવાનો એક ઊંડો શ્વાસ લઈ એણે ફેફસાંમાં ભરી, અને ઉપરની મોકળાશમાં ગુમાઈ જતાં એણે તેજના રજકણો તરફ જોયા કર્યું. કોઈક એક ખરતો તારો ક્ષણભરનું જીવન જીવી મૃત્યુને ભેટી ગયો. પણ આકાશની નિ:સીમતામાં થયેલો એનો ઉદય, એનાં તેજ અને એની ગતિનો કસ્તૂરના હૃદયમાં શાન્ત અને સુખકારી ધ્વનિ જન્મ્યો.

કસ્તૂરે એમ જ સ્થિર પડી રહેતાં સંતોષથી આંખ મીંચી. ચારે દિશાથી તેજ, ગતિ અને ધ્વનિ એને આવરી લેતાં – આલિંગન આપતાં એણે અનુભવ્યાં. એના હોઠ ધીમે ધીમે સ્મિતમાં ખૂલવા લાગ્યા! આ જીવન હરેક પળે જીવવાલાયક હતું!